અમદાવાદ, તા.૦૫
ફિઝિયોથેરાપી-નર્સિગ સહિતના કોર્સ માટે પ્રવેશની મુદત પુરી થયા બાદ પણ સરકારી કોલેજોમાં ૧૦૬ બેઠકો ખાલી પડી હતી. સામાન્ય રીતે મુદત પુરી થઇ ચુકી હોવાથી હવે આ બેઠકો ખાલી રાખવી પડે તેમ હતી પણ પ્રવેશ સમિતિ દ્વારા આ બેઠકો ભરવા માટે કાઉન્સિલ સમક્ષ પ્રવેશની સમયમર્યાદા વધારવા માટે દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવતાં હવે આગામી તા. ૩૦મી નવેમ્બર સુધી આ તમામ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખી શકશે. સરકારી કોલેજની ખાલી પડેલી બેઠકો માટે આગામી તા.૧૫મી સુધીમાં વધુ એક ઓફલાઇન રાઉન્ડ કરવાનુ નક્કી કરાયુ છે.
નીટ વગર જે કોર્સમાં પ્રવેશ થવાના છે તે ફિઝિયોથેરાપી-નર્સિગ વગેરેમાં અત્યાર સુધીમાં પ્રવેશના ચાર રાઉન્ડ પુરા કરી દેવામાં આવ્યા છે. ચાર રાઉન્ડના અંતે સરકારી કોલેજોમાં ૧૦૬ બેઠકો ખાલી છે જયારે સ્વનિર્ભર કોલેજોમા ૧૦ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. કાઉન્સિલ દ્વારા પ્રવેશ માટે ઓક્ટોબર અંત સુધીની મુદત આપવામાં આવી હતી. આ સમય પુરો થયા પછી કોઇ કાર્યવાહી કરી શકાય તેમ નહોતી. સરકારી કોલેજની બેઠકો ખાલી પડતાં પ્રવેશ સમિતિએ આ બેઠકો ભરવા માટે મુદત વધારવા માટે કાઉન્સિલ સમક્ષ દરખાસ્ત કરી હતી. આજે કાઉન્સિલ દ્વારા આ દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવી છે. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે હવે કાઉન્સિલ દ્વારા આગામી તા.૩૦મી નવેમ્બર સુધી પ્રવેશ પ્રક્રિયા કરવાની મંજુરી આપી છે. સ્વનિર્ભર કોલેજ સંચાલકો આ સમય સુધી પોતાની બેઠકો ભરી શકશે. સરકારી કોલેજોની ખાલી બેઠકો માટે તા.૮મી પછી પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આ રાઉન્ડમા વિદ્યાર્થીઓએ રૂબરૂ આવવાનુ હોવાથી સરકારી કોલેજમાં પ્રવેશ ઇચ્છતાં વિદ્યાર્થીઓએ સંમતિ આપવાની હોય છે. જે વિદ્યાર્થીઓ સંમતિ આપશે તેમને આગામી તા.૧૫મી સુધીમા પ્રવેશ ફાળવી દેવામાં આવશે. પ્રવેશ સમિતિ દ્વારા આગામી દિવસોમાં પ્રવેશનો સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે.