રાજયની ટેકનિકલ કોલેજોની ફી નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશથી રચવામાં આવેલી ફી રેગ્યુલેટરની કમિટી દ્વારા ચાલુવર્ષે ગતવર્ષ 2018-19 મંજુર થયેલી આર્કીટેક, ફાર્મસી, ઇજનેરી, એમ.ઇ., એમ.ફાર્મ, એમબીએ- એમસીએ સહિતની કુલ 20 સંસ્થાઓની નવી ફી જાહેર કરવામાં આવી છે. આ સંસ્થાઓ આગામી વર્ષ 2019-20ના વર્ષ દરમિયાન આ ફી વિદ્યાર્થીઓ પાસેથી લઇ શકશે. આ ફીમાં તમામ પ્રકારની ફીનો સમાવેશ કરી દેવાયો છે. કોઇપણ સંસ્થા આ નિર્ધારીત કરેલી ફી કરતાં કોઇપણ હેડ હેઠળ વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી વસુલી શકશે નહી. આ ઉપરાંત વર્ષ 2019-20 માં મંજુરી મળી હોય તેવી 23 સંસ્થાઓએ ફી નક્કી કરવા માટે કમિટી સમક્ષ દરખાસ્ત કરી હતી. જેના અનુસંધાનમાં આ કોલેજોની ફી પણ આજે જાહેર કરી દેવામાં આવી છે.
20 સંસ્થાઓ પૈકી 2 કોલેજોની ફીમાં વધારો
વર્ષ 2018-19માં શરૂ કરાયેલી 20 સંસ્થાઓની ફી નક્કી કરવાની પ્રક્રિયામાં સમિતિ દ્વારા માત્ર બે કોલેજોની ફીમાં વધારો કરાયો છે. જેમાં પારુલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ફાર્મસીમાં 60 હજાર રૂપિયા ફી લેવામાં આવતી હતી. જેના બદલે આ સંસ્થાએ 1 લાખ35 હજાર રૂપિયાની ફી ની દરખાસ્ત કરી હતી. જેની સામે ફી કમિટીએ 70 હજાર રૂપિયા ફી આપવામાં આવી છે.આજ રીતે પારુલ ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં 35 હજાર ફી લેવામાં આવે છે. જેની સામે સંસ્થા દ્વારા 62 હજાર રૂપિયા ફી લેવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેની સામે ફી કમિટીએ 40 હજાર રૂપિયા ફી લેવાની મંજુરી આપી દેવામાં આવી છે. આ સિવાય બાકીની 18 કોલેજોની ફી યથાવત એટલે કે વર્ષ 2018-19માં નક્કી કરવામાં આવી હતી તે જ રાખવામાં આવી છે. વર્ષ 2019-20માં નવીમંજુર થયેલી ઇજનેરી, ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી, એમબીએ-એમસીએની નવી ફી જાહેર કરવામાં આવી છે.
જેમાં ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં 32 હજાર રૂપિયાથી લઇને નવરચના યુનિવર્સિટીમાં ચાલતાં એમ.ઇ.-એમ.ટેકના કોર્સને 1 લાખ 7 હજાર રૂપિયા જેટલી ફી આપવામાં આવી છે. ડિગ્રી ઇજનેરીમા સૌથી વધુ કડીની કોલેજને 75 હજાર રૂપિયા ફી મંજુર કરવામાં આવી છે. મોટાભાગની કોલેજો ડિપ્લોમા ફાર્મસીની હોવાના કારણે આ તમામ કોલેજોની ફી 32 હજારથી લઇને 40 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફી કમિટીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે આ ફી વિદ્યાર્થીઓ અભ્યાસ પુરો કરે ત્યાસુધી આજ રીતે ભરવાની રહેશે. સંસ્થા કોઇપણ પ્રકારનો વધારો લઇ શકશે નહી. નવી કોલેજોમાં ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં 55 હજારથી લઇને 70 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. માસ્ટર ડિગ્રીના કોર્સમાં 55 હજારથી લઇને 1 લાખ 7 હજાર રૂપિયા અને એમબીએમાં 65 હજારથી લઇને 75 હજાર રૂપિયા ફી જાહેર થઇ.
સેપ્ટમાં ચાલતા માસ્ટર ઓફ પ્લાનિંગની ફી માટે ખુલાસો મંગાયો
ફી કમિટીએ એવી સ્પષ્ટતાં કરી છે કે, અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાં ચાલતાં માસ્ટર ઓફ પ્લાનિંગના કોર્સની ફી ખરેખર ફી રેગ્યુલેટરી કમિટીએ નક્કી કરવાની થાય છે. પણ આ સંસ્થા દ્વારા ફી નક્કી કરવા માટે કમિટી સમક્ષ કોઇ દરખાસ્ત કરવામાં આવી નથી. જેના કારણે એફઆરસી દ્વારા સેપ્ટને નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત 134 જેટલી કોલેજોને તાજેતરમાં કોશન મની માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ કોલેજોએ ડીકલેરેશન કમ અન્ડરટેકિંગ ફાઇલ કરેલ નથી તેના બદલે પર્સનલ હિયરિંગ માટે દરખાસ્ત કરી છે. આ સંસ્થા પૈકી બાકી રહેલી સંસ્થાઓ ટૂંક સમયમાં રૂબરૂમાં બોલાવીને ગુણદોષ મુજબ કાયદાની જોગવાઇને આધીન સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.