અમદાવાદ, તા.09
ભાવનગર ફેક કરન્સી રેકેટના સૂત્રધાર મનાતા પરેશ સોલંકી અને પ્રતિક નકુમે નોટબંધી પહેલા અને તે જ વખતે કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો માર્કેટમાં ઘુસાડી હોવાની હકીકત બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં આરોપીઓએ ટેકનોલોજી જબરદસ્ત ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
અંદાજે એક કરોડ કરતા પણ વધુ રકમની નકલી નોટ
ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર અને નકલી નોટ પ્રકરણના ઇન્વેસ્ટિગેશન ઓફિસર એસ એન બારોટ જણાવે છે કે, આ કેસમાં અમે ખૂટવાડા પોલીસ દ્વારા ડોકટર રાકેશ નાગોથા, ભગત ભરવાડ સામેના ગુના બાદ તપાસમાં ચિરાગ ઉર્ફે મુન્નો, જેસાભાઈ મનજીભાઈ, પરેશ સોલંકી અને પ્રતિક નકુમ સહિત અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારના યશ ઠાકરની પણ ધરપકડ કરી છે. તેઓ ઉમેરે છે કે, આ તમામમાં પરેશ સોલંકી (રહે લાઠી) અને પ્રતિક નકુમ (રહે બગસરવાળા) મુખ્ય અને રીઢા ગુનેગાર છે. આ બંને જણા દોઢથી બે વર્ષ અગાઉ અંદાજે એક કરોડ કરતાં પણ વધુ રકમની નકલી નોટ છાપી અને માર્કેટમાં ફરતી કરી હોવાનું ખુલ્યું છે.
નોટબંધી સમયે કાળુ નાણુ ફેરવતા લોકોને બનાવ્યા મુર્ખ
નોટબંધી વખતે કાળું નાણું ઠેકાણે પાડવા કંઈક લોકો મથતાં હતા. આવા કાળા નાણાં નવી નોટ સાથે બદલાવવા મથતાં ઘણા લોકોને પરેશ અને પ્રતિકે મૂરખ બનાવ્યાં હોવાની સંભાવના ભાવનગર પોલીસે વ્યક્ત કરી છે. નોટબંધી વખતે અને ત્યારબાદ બંધ થઈ ગયેલી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટનાં બદલામાં નવી બે હજાર રૂપિયાની નકલી નોટ આપતાં હતાં. બે હજાર રૂપિયાની આ તમામ નવી નોટ તેઓ નકલી છાપતા હતાં. નકલી નોટ તેઓ મોટે ભાગે સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં ફેરવતા હતા. પરેશ તો ભાવનગર ના જ અન્ય એક ફેક કરન્સી કેસમાં ઘણા સમયથી વોન્ટેડ અપરાધી હતો.
આરોપીઓ દ્રારા ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ
નકલી ચલણી નોટનાં રેકેટમાં આરોપીઓએ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. પરેશ અને પ્રતિકે નકલી નોટ છાપવા માટેની વિગતો યુ ટયુબ ઉપર જુદા જુદા વીડિયો જોઈને મેળવી હતી. જેના આધારે કેવો કાગળ લેવો અને ક્યાં પ્રકારના હાઈ રિઝોલ્યુશન વાળા પ્રિન્ટર લેવા તેની જાણકારી પણ યુ ટ્યુબ ઉપરથી જ મેળવી હતી. એમ ભાવનગર એસ ઓ જીના સૂત્રો જણાવે છે.
પબજી ગેમ રમતા થયો મુખ્ય સુત્રધારો સાથે સંપર્ક
આ કેસમાં અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તાર ના પી આઈ બારોટ ઉમેરે છે કે , ફેક કરન્સી રેકેટ નો સૂત્રધાર પરેશ સોલંકી પબજી રમવાનો શોખીન છે. પબજી ગેમ ઉપર તે અમદાવાદના યશ ઠાકરના સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ યશ ઠાકર રીસીવર તરીકે પરેશ સોલંકી સાથે કામ કરતો હતો. એટલે કે પરેશ રૂ ૧૦૦ ની નકલી નોટનાં બદલામાં યશ પાસેથી ૩૫ રૂપિયા વસુલતો હતો. ત્યારબાદ યશ આ નકલી નોટને માર્કેટમાં ફરતી કરતો હતો. ઉલ્લેખનીય છે કે પરેશ પાસેથી નકલી નોટ લીધાં બાદ યશ પરેશ ના બેન્ક એકાઉન્ટમાં નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરતો હોવાના ટ્રાન્ઝેક્શન પણ પોલીસને મળ્યા છે. આમ આ કેસમાં હજુ વધુ ધરપકડ થવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે.