ફેસલેસ ઇ-એસસમેન્ટ કેવી રીતે કરવું તેની અમને જ કંઈ ખબર નથી

અમદાવાદ,૧૬

આવકવેરાના રિટર્નની ફેસલેસ સ્ક્રૂટિની કેવી રીતે કરવી તે અંગેની સ્પષ્ટ સમજણ અમારી પાસે પણ નથી એવી રજૂઆત ભારત ભરના આવકવેરા અધિકારીઓવતી સંયુક્ત પણે કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. ત્રીજી ઓક્ટોબરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને આવકવેરા અધિકારીઓના ગ્રુપ દ્વારા સંયુક્તપણે સહીઓ કરીને ફેસલેસ ઇ-એસેસમેન્ટ સામે આડકતરો વિરોધ પણ નોંધાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવકવેરાની આકારણીમાં થતાં ભ્રષ્ટાચારને નાબૂદ કરી દેવા માટે ફેસલેસ ઈ-એસેસમેન્ટની દરખાસ્ત મૂકી છે. આકારણી કરવાની પ્રક્રિયામાં જરૂરી વિચારોની આપલે થવાની પ્રક્રિયા ઓછી થતી હોવાથી અને ફેસલેસ ઇ-એસેસમેન્ટ કરવા માટે અપૂરતા સ્રોતો હોવાથી ફેસલેસ ઇ-એસેસમેન્ટ કરવું અઘરું હોવાનું તેમણે સીબીડીટીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે.

આ સંજોગોમાં સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફેસલેસ એસેસમેન્ટ સામે અમલદારશાહી તરફથી વિરોધ દર્શાવવામાં આવતા તેના અમલીકરણમાં ઘણાં અવરોધો આવવાની શક્યતા વધી ગઈ છે. ઇન્કમટેક્સ એમ્પ્લોયી ફેડરેશન અને ઇન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર એસોસિયેશને લખેલા પત્રના માધ્યમથી ફેસલેસ એસેસમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ યોજનાનો અમલ અત્યંત ઉતાવળે કરવામાં આવી રહ્યો છે. તેનો અમલ કરતાં પહેલા આકારણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓનો મત પણ લેવામાં આવ્યો નથી. તેથી આ સિસ્ટમ સામે અમે અમારો મજબૂત વિરોધ અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સરકાર દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કર્યા વિના જ લેવામાં આવેલો નિર્ણય આવકવેરા વિભાગના હિતમાં નથી. આકારણી અધિકારીઓ કરદાતાના સીધા સંપર્કમાં ન આવે અને ભ્રષ્ટાચાર ન થાય તેવા ઇરાદાથી સરકારે આ વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. આ માટે આકારણી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિને મુખ્ય મુદ્દો બનાવી દેવામાં આવ્યો હતો.

Read More

આવકવેરા અધિકારીઓનું કહેવું છે કે ફેસલેસ ટેક્સ એસેસમેન્ટને કારણે આવકવેરા વિભાગની આવકવેરાની કુલ આવકમાં ઘટાડો થવાની સંભાવના છે. ગુજરાતમાં એડવાન્સ ટેક્સના આંકડાઓ આપતી વેળાએ ગુજરાતમાં છ ટકાનો વધારો થયો હોવા છતાંય પ્રિન્સિપાલ ચીફ કમિશનર અજય મેહરોત્રાએ જણાવ્યું હતું કે આ સ્થિતિમાં સરકારે આવકવેરાની વાર્ષિક આવકના આપેલા ટાર્ગેટમાં ઘટાડો કરવો જોઈએ તેવી ઔપચારિક વાત કરી હતી. સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હોવાથી અને અર્થતંત્ર પર મંદીની અસર હોવાથી પણ આવકવેરાની આવકમાં ઘટાડો થવાની સંભાવના હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમની આ વાતમાં આવકવેરા અધિકારીઓની લાગણીનો તેમાં પડઘો પડતો જોવા મળ્યો હતો.

આવકવેરા અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆતનો કોઈપણ પ્રતિભાવ સીબીડીટી તરફથી આપવામાં આવ્યો નથી. બીજીતરફ સીબીડીટીનું માનવું છે કે ફેસલેસ એસેસમેન્ટને પરિણામે પારદર્શકતા વધશે, કોર્ટ કેસ કે પછી એપેલેટ ટ્રિબ્યુનલના કેસોમાં ઘટાડો થશે. તેમ જ સ્ક્રૂટિની એસેસમેન્ટની સમગ્ર પ્રક્રિયાના ધોરણો નિશ્ચિત થઈ જશે. આકારણીના કેસોનો નિકાલ ઝડપી થઈ જવાની શક્યતા વદી જશે.

સીબીડીટીએ ઈએસેસમેન્ટ સેન્ટર પર નિયુ્ક્ત કરવા માટે જુદા જુદા વિસ્તારમાંથી આવકવેરા અધિકારીઓને બોલાવી લીધા હોવાથી જે તે વિસ્તારમાં બાકી રહેલા અધિકારીઓ પર કામનો બોજ વધી ગયો છે. એસેસમેન્ટ સેન્ટર પર ગયેલા અધિકારીઓને માટે બેસવાની જગ્યા નથી. તેમની પાસે કોમ્પ્યુટર સહિતની જરૂરી વસ્તુઓની સુવિધા પણ નથી. તેથી સેન્ટર પર ગયા છતાંય તેમની પાસે કામકાજ જ નથી.

Bottom ad