ફોટો પડાવવા માટે કચરો ટ્રેક્ટરથી નીચે નાંખી સફાઈ કરી

સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા માટે ગુજરાતમાં ખરેખર સફાઈની લાગણી કરતાં માત્ર ફોટો પડાવવા માટે જ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવતી હોવાના અનેક બનાવો ભાજપની પોલ ખોલ જેવા બની ગયા છે. મહેસાણાના રાધનપુર સર્કલ પાસે એવું જ થયું હતું. જ્યાં રસ્તા સાફ થઈ ગયા હતા તેથી ટ્રેકટરમાં કચરો લાવીને રોડ પર નાંખવામાં આવ્યો હતો અને પછી ભાજપના નેતાઓએ ફોટો પડાવવા માટે હાથમાં ઊભો સાવરોણો પકડીને સફાઈ કરી હતી. સાથે રહેલાં ભાજપના એક કાર્યકરે કહ્યું પણ ખરું કે આમ આદમી પક્ષનો વિચાર તો આપણે હાઈઝેક કર્યો છે. પણ સાવરણો તો ઊભો જ વાપરીએ છીએ. કારણ કે આડો સાવરણો આપણે વાપરી શકીએ તેમ નથી. કારણ કે વાંકા વળી શકીએ તેમ નથી અને આડા સાવરણાથી તેની  સામુહિક સફાઈનો કાર્યક્રમ કરી શકીએ તેમ નથી.

વિડિયો ઉતારી લઈ વાયરલ કર્યો

આ સમગ્ર ઢોંગી ઘટના, સફાઈના નામે નાટક કરાયું હોવાનો વિડીયો ભાજપના એક કાર્યકરે ઉતારીને પોસ્ટ કર્યો હતો. તેથી શહેરમાં તે વાઈરલ થયો હતો. સાંસદ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંસ્થાનાં કાર્યકરો સફાઈ કરી શકે તે માટે પાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારો દ્વારા કચરો લાવીને ઠાલવવામાં આવ્યો હતો, તે વિડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાતુ હતું. કચરો ઠાલવતા કામદારોનો વિડીયો ઉતારી તેને વાઈરલ કરાતાં સફાઈ મામલે સામુહિક શ્રમદાન કરવાની પોલ ખુલી ગઈ હતી.

સંસદ સભ્ય અને કલેક્ટર પણ નાટકમાં જોડાયા

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ બાદ મહેસાણાની રાધનપુર ચોકડીએ સાંસદ જયશ્રીબેન પટેલ, કલેક્ટર અને ડીડીઓ સાથે ધાર્મિક સંસ્થાના કાર્યકરો દ્વારા સામુહિક શ્રમદાન કરવાનું નક્કી કરાયું હતું. સામુહિક શ્રમદાન અંતર્ગત ઉપસ્થિત લોકોએ સફાઈ કરવાની હતી.