પ્રાંતિજ : ડીસાની આગવી ઓળખ સમાન બટાકાનો વ્યવસાય મરણ પથારીએ જોવા મળી રહ્યો છે. દર વર્ષે શિયાળાની સીઝનમાં ડીસા પંથકમાં બટાટાનું વધારે પ્રમાણમાં વાવેતર થતું હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાકાના યોગ્ય ભાવ ન મળતાં બટાટાનો કોઈ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની ખેડૂતોને વેપારીઓને નોબત આવી પડી છે. પણ ત્યારબાદ સ્ટોરેજના બટાટાના ભાવમાં વધારો ન થતાં ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી બની જવા પામી છે. દર વર્ષે સારા ભાવોની આશા રાખી વેપારીઓ બટાકાનો સંગ્રહ કરતા રહે છે પણ છેલ્લા પાંચ વર્ષથી કોલ્ડ સ્ટોરેજના બટાકાના ભાવો ન મળતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને વેપારીઓ કરોડો રૂપિયાના દેવામાં ડૂબી ગયા છે.
જેથી બટેટાનો પાક ખેડૂતો અને વેપારીઓને દેવાદાર બનાવી રહ્યો છે. જેને લઇ છેલ્લા ત્રણ વર્ષમાં ૨૦ જેટલા ખેડૂતો અને વેપારીઓ એ આત્મહત્યા પણ કરી ચૂકયા છે. ડીસા પંથકમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેમાંથી આ વર્ષે પણ કેટલાક કોલ્ડ સ્ટોરેજ ન ભરાતા બંધ રહેવા પામ્યા છે. હજુ પણ કેટલાક સ્ટોરેજ બંધ થવાની કતારમાં જોવા મળી રહ્યા છે. કોલ્ડ સ્ટોરેજની લોનો પણ ભરપાઈ ન થતા બેંકોની પણ ભીસ વધી છે જેથી વેપારીઓને પણ પડતા પર પાટું જેવી સ્થિતિ છે. એક બાજુ સંગ્રહ કરેલા બટાકાના દિવસેને દિવસે ભાવમાં થઇ રહેલા ઘટાડાથી એક કટા પર ૧૦૦ થી ૧૫૦ રુપિયા સુધીનું નુકસાન થઈ રહ્યું છે.
બટાકા નગરી તરીકે જાણીતા બનેલા ડીસાની ઓળખ બટાકા ખેડૂતો અને વેપારીઓને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે. બટાકાના વ્યવસાયમાં આવેલા નુકશાનના પગલે લોકો પાયમાલ બની ગયા છે. ૨૦ વધુ લોકોએ આત્મહત્યા પણ કરી છે. જ્યારે ચારથી વધુ વેપારીઓ લેણદારોથી બચવા ઘર છોડી ચાલ્યા ગયા છે. રાજ્ય સરકાર દ્વારા પણ બટાટાની ખેતી અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી.દર વર્ષે સરકાર દ્વારા અનેક જાહેરાતો થાય છે પણ તેનો યોગ્ય અમલ ન થતા યોજનાઓ પણ કાગળ પર રહી જાય છે.
ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડીસા ખાતેની એક જાહેર સભામાં ડીસામાં બટાટા માટેની મોટી ફેક્ટરી નાખવાની વાત કરી હતી પણ તેને આજે પણ અને સમય વિતી ગયો હોવા છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. સરકાર દ્વારા ગત વર્ષે પણ બટાટાના પર સબસિડી જાહેર કરી હતી. જેમાં પણ અનેક ગોટાળા થયા હતાં ત્યારે રાજ્ય સરકાર દ્વારા બટાકા સાથે સંકળાયેલા ખેડૂતો અને વેપારીઓ માટે કોઈ યોગ્ય નક્કર પગલા લે તે જરૂરી છે.