બદરૂદીન શેખની ચા-પાણી વાતથી કોંગ્રેસ ભયમાં

અમદાવાદ, તા.૦૬

શહેરના બહેરામપુરાના કોર્પોરેટર અને પૂર્વ મ્યુનિસિપલ વિપક્ષનેતા તરીકે પાંચ વર્ષ સુધી એકહથ્થુ સત્તા ભોગવનારા બદરૂદીન શેખે એક વધુ વિવાદ સર્જયો છે. અમપાના એક કર્મચારીના પિતાના અવસાન બાદ યોજાયેલા બેસણા બાદ કોંગ્રેસના આ કોર્પોરેટરે બેસણામાં આવેલા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ભાજપના ધારાસભ્ય સહીત કેટલાક ભાજપના વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરોને પોતાની શાહેઆલમ વિસ્તારમાં બોલાવી બેઠક કરી હતી. આ અહેવાલ અંગે બદરૂદીન શેખને પુછતા તેમણે કહ્યુ, બેસણાં બાદ આ લોકોને મેં મારી ઓફીસે ચા-પાણી કરવા બોલાવ્યા હતા. હું પણ ભાજપના નેતાઓને ત્યાં મળવા જઉ છું.

અમપાની મળતી સામાન્યસભા હોય કે કોઈ અમદાવાદ શહેરને બે ભાગમાં વિભાજીત કરી અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવા જેવી બાબતો હોય. વિપક્ષનેતાની હાજરી હોવાછતાં અવારનવાર મિડીયામાં પ્રસિધ્ધિ મેળવવા નિવેદન કરતા બહેરામપુરાના કોર્પોરેટર બદરૂદીન શેખે એક વર્ષ બાદ અમપાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ ભાજપ સાથેના સંબંધો વધુ મજબુત કરવાની પેરવી શરૂ કરી છે.

આ અંગે મળતી માહીતી મુજબ, અમપા સેક્રેટરી વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીના પિતાનુ તાજેતરમાં અવસાન બાદ કાંકરીયા વિસ્તારમાં આવેલા પ્રાણશંકર હોલમાં યોજાયેલા બેસણામાં પણ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાને સંતોષવા મથી રહ્યા હતા.

બેસણામાં આવેલા અમપા સ્થાયી સમિતિના ચેરમેન અને ઘાટલોડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપના પૂર્વ કોર્પોરેટર બીપીન ભાઈ, ગોતા ભાજપના વર્તમાન કોર્પોરેટર જતીન પટેલ સહીત અન્ય કેટલાક ભાજપના પૂર્વ કોર્પોરેટરોને બેસણામાંથી સીધા પોતાની શાહેઆલમ વિસ્તારમાં આવેલી ઓફીસે લઈ જઈ બેઠક કરતા આ સમગ્ર ઘટનાક્રમ ચર્ચાનુ કેન્દ્ર બનવા પામ્યો છે.

વર્ષ-૨૦૧૪માં બદરૂદીને કોંગ્રેસ વિરૂધ્ધ ઉચ્ચારણો કર્યા હતા

વર્ષ-૨૦૧૪માં લોકસભાની સામાન્ય ચૂંટણી સમયે એ સમયના કોંગ્રેસના દીગ્ગજ ગણાતા નરહરી અમીન ભાજપમાં જોડાવવાની તૈયારીમાં હતા. આ સમયે નરહરી અમીનને ત્યાં યોજાયેલી કોંગ્રેસી નેતાઓની બેઠકમાં હાલના કોંગ્રેસના પ્રવકતા પદેથી રાજીનામુ આપી દેનારા બદરૂદીન ગુલામમોહ્યુદીન શેખ પણ હાજર રહ્યા હતા. અને બેઠકમાં બદરૂદીન શેખે કોંગ્રેસ વિરૂધ્ધ ખુબ નીચલા સ્તરના ઉચ્ચારણો કર્યા હતા. છતાં બદરૂદીન શેખે અહેમદ પટેલના નજીકના મનાતા હોવાથી આજદીન સુધી કોંગ્રેસ મોવડી મંડળ તેમની સામે શિસ્તભંગના પગલાથી લઈને કોઈ કાર્યવાહી કરી શકી નથી. બદરૂદીન શેખ કાલુપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.

બદરૂદીન શેખ શું કહે છે?

આ અંગે બહેરામપુરાના કોર્પોરેટર બદરૂદીન ગુલામમોહ્યુદીન શેખને પુછતાં તેમણે એક ટેલિફોનીક વાતચીતમાં કહ્યુ, મેં આ તમામને મારે ત્યાં ચા પીવા બોલાવ્યા હતા. હું પણ ભાજપના આ નેતાઓને ત્યાં અવારનવાર મળવા જઉ છુ. વિપક્ષનેતા દીનેશ શર્મા પણ બેસણામાં આવ્યા હતા.

દીનેશ શર્મા શું કહે છે?
આ અંગે મ્યુનિસિપલ વિપક્ષનેતા દીનેશ શર્માને પુછતા તેમણે કહ્યુ, હા હુ બેસણામાં ગયો હતો. પણ ચા પીવા નહોતો ગયો.