બનાવટી નોટો 2016માં પકડાઈ અને 2018માં ફરિયાદ

પાલનપુરની એસ.બી.આઈ.બેંકમાં રૂ.૫૦૦ અને ૧૦૦૦ ના દરની રૂ.૭૯,૦૦૦ ની જૂની ચલણી નોટો ભરણમાં આવી હતી. જે તપાસને અંતે બનાવટી જણાતા બેંકના કેશિયરે અજાણ્યા શખ્સ સામે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશને નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. જે હમણા ડિસેમ્બર 2018માં ફરિયાદ કરવામાં આવી છે.
પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, કોઈ અજાણ્યા ઈસમે ગત તા. ૯-૧૧-૨૦૧૬ થી તા.૨૦-૧૨-૨૦૧૬ દરમિયાન, એસ.બી.આઈ શાખામાં કે પેટા શાખામાં અથવા તો અન્ય બેંકમાં રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ના દરની બનાવટી જૂની ચલણી નોટો બનાવટી હોવાનું જાણવા છતાં ખરી નોટો તરીકે ખપાવી ભરી હતી. જે બેંકની તપાસ દરમિયાન નકલી જણાતા બેંકના કેશિયરએ ફરિયાદ નોંધાવી છે.
રૂ.૧૦૦૦ ના દરની ૭૫ અને રૂ.૫૦૦ ના દરની ૮ નોટો મળી કુલ રૂ.૭૯,૦૦૦ની બનાવટી ચલણી નોટો બેંકમાં પધરાવી જનાર ભેજાબાજ સામે એસ.બી.આઈ ના કેશિયર ખંડુભાઈ ભગાભાઈ પટેલ એ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.