બનાસકાંઠાના વનીકરણ વિભાગના રોજમદારોને લઘુત્તમ વેતનમાં અન્યાય

બનાસકાંઠા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગમાં કામ કરતાં રોજમદારોને લધુત્તમ વેતનમાં અન્યાય કરવામાં આવતો હોઇ ગુરૂવારે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. અને સાત દિવસમાં સમસ્યાનો નિવેડો લાવવા માટે જણાવાયું હતું.

બનાસકાંઠા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં સામાજિક વનીકરણ વિભાગમાં ફરજ બજાવતાં રોજમદારોએ ગુરૂવારે જિલ્લા કલેકટર સંદિપ સાંગલેને રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતુ કે, વર્ષ ૨૦૧૮ના નાયબ વન સંરક્ષક અધિકારીએ અગાઉ કરાયેલા ઠરાવ પ્રમાણે રોજમદારોને પ્રથમ વર્ષમાં ૨૪૦ દિવસથી વધારે હાજરી હોય તો એવા રોજમદારોને સવેતન રવિવાર અને રાષ્ટ્રીય તહેવારોની રજા તેમજ તબીબી સવલત મળવા પાત્ર થશે તેવું ઠરાવ્યું હતું. તેમજ નક્કી કરેલું લઘુત્તમ વેતન પણ છ મહિના સુધી આપવામાં
આવ્યું હતું.

જોકે, આ ઉપરી અધિકારી નિવૃત થતાં તેમના હોદ્દા ઉપર આવેલા અધિકારીએ મનસ્વીપણે વેતન બંધ કરી લઘુત્તમ વેતન અને લાભોથી વંચિત રાખ્યા છે. રોજમદારોને તેમના પીસરેટ ઉપર તેમજ ૧૮ દિવસ કામકાજના ગણી ઓછું વેતન આપી શારીરિક – માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે. જેથી હાલની કારમી મોંઘવારીમાં ઘર ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે સાત દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે રોજમદારોની માગણી છે.