બનાસકાંઠામાં 3.16 લાખ હેક્ટર વાવેતર પૈકી 39 હજાર હેકટર વિસ્તાર અસરગ્રસ્ત

પાલનપુર, તા.૦૫

જિલ્લાના 14 તાલુકાના 443 અસરગ્રસ્ત ગામોમાં 69 ગ્રામ સેવકોની ટીમો દ્વારા જુદા જુદા 13,182 ખેડૂતોનો પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 3.16 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી 39 હજાર હેકટર વાવેતર વિસ્તારને અસર થઈ હોવાનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે. જિલ્લામાં સહુથી વધુ ડીસામાં 3200 ખેડૂતોને અસર થઈ હોવાનું તેમજ સહુથી ઓછા વડગામ તાલુકાના 110 ખેડૂતોને અસર થઈ હોવાનું રેન્ડમલી સર્વેમાં જાણવા મળ્યું છે.

બનાસકાંઠામાં અતિવૃષ્ટિથી ખેતીપાકોમાં થયેલા નુકસાનીનો તાગ મેળવવા માટે 69 ટીમો દ્વારા રેન્ડમલી સર્વે કરવામાં આવ્યું છે. જેમાં પાલનપુરમાં 221 ખેડૂતો, વડગામ 110, ભાભર 289, કાંકરેજ 1804, અમીરગઢ 120, દાંતા 127, થરાદ 1200, વાવ 1480, દાંતીવાડા 168, લાખણી 1459, સુઇગામ 1241, ડીસા 3200, ધાનેરા 413 અને દિયોદરમાં 1350 ખેડૂતોને અસર થઈ હોવાનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે. પાછલા બે દિવસથી તમામ તાલુકા મથકોએ અસરગ્રસ્ત ખેડૂતો ઓનલાઇન તેમજ તાલુકા કક્ષાએ પાક વીમાની અરજીઓ આપીને સહાય માટેની માંગ કરી રહ્યા છે.

વીમા કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે જે ખેડૂતોની અરજીઓ આવશે તે તમામ ખેડૂતોના ખેતરોની સ્થળ તપાસ ખેતીવાડી વિભાગના સ્ટાફને સાથે રાખીને કરવામાં આવશે. બનાસકાંઠા ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે “જિલ્લાના 14 તાલુકામાં એકથી બે ઇંચ જેટલો વરસાદ થયો છે. ક્યાંક વધુ વરસાદ થયો ક્યાંક બિલકુલ નથી થયો. એટલે જ્યાં સુધી તમામ ગામોનો સર્વે પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલ નુકસાનનો અંદાજ કહી ન શકાય. પરંતુ 33 ટકાથી વધુ નુકસાન પણ ક્યાંક ક્યાંક સામે આવશે.’

જે ખેડૂતોએ પોતાના પાકને કમોસમી વરસાદમાં ગુમાવ્યો છે તે ખેડૂતોએ પાક વિમો મેળવવા માટે તાલુકા કક્ષાએ અરજી કરી છે. સમગ્ર જિલ્લામાં 500થી વધુ ખેડૂતોએ અરજી કરી હોવાનું વીમા કંપનીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.