બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીનો પાયો નાખનાર ખેડૂતને ૭ એવોર્ડ મળ્યા

28 NOVEMBER 2013
બાગાયતમાં રોકડિયા પાક ગણાતા દાડમની ખેતીમાં બનાસકાંઠા જિલ્લો આજે રાજ્યભરમાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવે છે. દાડમની ખેતીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાની સાથે ડ્રિપ ઇરિગેશનમાં પણ જિલ્લાને રાજ્યમાં નંબરવનનું સ્થાન અપાવ્યું છે. દાડમની ખેતી જોવા મહારાષ્ટ્રના નાસિક જતા રાજ્યભરના ખેડૂતો હવે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે અહીં એવા પ્રગતિશીલ ખેડૂતની માહિતી પ્રસ્તુત છે જેમણે બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીનો પાયો નાખ્યો છે. લાખણી તાલુકાનું સરકારી ગોળિયા ગામ આજે દાડમના ગામ તરીકે રાજ્યભરમાં વખણાય છે તેનો સઘળો યશ આ ખેડૂતને જાય છે. રાજસ્થાન સરકારના બેસ્ટ કૃષિના એવોર્ડ સાથે આજે આ ખેડૂતનું ઘર રાજ્યના પ્રગતિશીલ ખેડૂત તરીકેના ૭ એવોર્ડથી શોભે છે. આ ખેડૂતની દાડમની વાડીની રાજ્યભરના ખેડૂતો મુલાકાત લઇ રહ્યા હોવાનું આ ખેડૂતે જણાવ્યું હતું. આ ખેડૂતે સાબિત કર્યું છે કે ‘મન હોય તો માળવે જવાય’. નાનપણથી અપંગ હોવા છતાં હિંમત હાર્યા વિના આ ખેડૂત આજે દાડમની ખેતીમાં ર્વાિષક ૭૫ લાખની ચોખ્ખી કમાણી કરી રહ્યા છે.
છેલ્લાં ૯ વર્ષથી દાડમની ખેતી સાથે સંકળાયેલા બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના સરકારી ગોળિયા ગામના ખેડૂત ગેનાભાઇ દરગાભાઇ પટેલે જણાવ્યું હતું કે, દાડમની ખેતી કરવાનો વિચાર તેમને ૨૦૦૪માં મનમાં સ્ફુર્યો હતો. દરમિયાન મહારાષ્ટ્રની મુલાકાત લેતાં ત્યાં દાડમની ખેતી જોઇ તેમણે વતન સરકારી ગોળિયામાં દાડમની ખેતી કરવાનો નિર્ણય લીધો હતો. બાપદાદાની વારસાગત જમીન તો હતી, પરંતુ નાનપણથી અપંગ હોવાથી મનમાં થોડો ખચકાટ હોવા છતાં તેમણે મક્કમ મને ખેતી કરવાનો નિર્ણય લઇ મહારાષ્ટ્રમાંથી રૃપિયા ૧૫નો એક એવા ૬,૦૦૦ રોપા દાડમના લાવ્યા હતા. જેમાં તેમને શરૃઆતમાં દોઢ લાખ રૃપિયા ખર્ચ આવ્યો હતો. દાડમના વાવેતર બાદ ખેડૂતે એક વર્ષ બાદ ૫ હેક્ટરના આ દાડમના વાવેતરમાં ડ્રિપ કરાવ્યું હતું. જે સમયે ડ્રિપની ટેકનોલોજી અંગે ખેડૂતોમાં જાણકારીનો પણ અભાવ હતો. આજે ગેનાભાઇ દાડમની ખેતીમાં વર્ષેદહાડે રૃપિયા ૯૦ લાખની કમાણી કરી રહ્યા છે. ગેનાભાઇની દાડમની ખેતીમાં પ્રગતિ જોઈ દાડમની ખેતીનો બનાસકાંઠા જિલ્લામાં એવો પવન ફૂંકાયો કે આજે દાડમની ખેતીમાં બનાસકાંઠા જિલ્લો રાજ્યભરમાં અવ્વલ હરોળમાં સ્થાન ધરાવે છે. ગેનાભાઇના વતન સરકારી ગોળિયામાં ૧૫૦ ખેડૂતો અને ૧૫૦૦ વીઘા જમીન છે. જે તમામ જમીનમાં બાગાયતી દાડમનો પાક લહેરાઇ રહ્યો છે. આજે આ ગામ દાડમના ગામ તરીકે પ્રખ્યાત થઇ ગયું છે. ૫૩ વર્ષના ગેનાભાઇ પટેલ એચ.એસ.સી સુધી ભણેલા હોવાની સાથે ૧૫ વર્ષનો ખેતીમાં અનુભવ ધરાવે છે. જેમને ૨૦૦૯માં રાજ્યના બેસ્ટ ખેડૂતનો એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૨માં રાજ્યના બેસ્ટ આત્મા ખેડૂત એવોર્ડના તેઓ હક્કદાર બન્યા હતા. આ પ્રકારના તેઓ ૭ બેસ્ટ ખેડૂતના એવોર્ડ ધરાવે છે. દાડમની ખેતી કરવાનો વિચાર પણ હોય તો આ ખેડૂતની મુલાકાત લેવા જેવી છે. સંપર્ક કરોઃ ૯૯૨૫૫ ૫૭૧૭૭

રાજસ્થાન સરકારે પણ ખેડૂતને એવોર્ડ આપ્યો

રાજસ્થાન સરકારે એવોર્ડ સાથે લાખ રોકડા આપ્યાઃ ગેનાભાઇ મૂળ રાજસ્થાનના વતની હોવાથી તેમનો પરિવાર રાજસ્થાનમાં રહે છે. ગુજરાતમાં દાડમની ખેતી જોઇ તેમના પરિવારે પણ રાજસ્થાનમાં ખેતી કરવાનો સંકલ્પ કર્યો હતો. જેમાં તેમણે ગેનાભાઇની મદદ માગી હતી. આથી ગેનાભાઇએ બાડમેર અને ઝાલોર જિલ્લામાં ૨૫૦ હેક્ટરમાં દાડમની ખેતી કરવામાં રાજસ્થાનના ખેડૂતોને મદદ કરી હતી. જે અંતર્ગત રાજસ્થાન સરકારે તેમના આ પ્રદાનને ધ્યાને લઇ રાજસ્થાન સરકારે પણ ગેનાભાઇને રાજસ્થાનનો હલ્દર ટાઇમ્સ એવોર્ડ આપ્યો હતો.

ખેડૂતનું આવક-જાવકનું સરવૈયું

ગેનાભાઈ પટેલ પાંચ હેક્ટર જમીનમાં ૬,૦૦૦ રોપા દાડમના ધરાવે છે. અહીંયાં એક હેક્ટરદીઠ ખેડૂતના આવક, જાવક અને નફાનું ગણિત અપાયું છે. ૨૦૧૦માં ખેડૂતને દાડમની ખેતીમાં એક હેક્ટરે ૯ ટન ઉત્પાદન મળ્યું હતું. જે દાડમ ૧૬૧ રૃપિયામાં કિલોના ભાવે વેચાણ થતાં ખેડૂતને ૧૪.૪૯ લાખ રૃપિયાની આવક થઇ હતી. જેમાં ખેડૂતને એક હેક્ટરદીઠ રૃપિયા ૧.૨૦ લાખનો ખર્ચ થયો હતો અને ખેડૂતને ચોખ્ખી આવક ૧૩.૨૯ લાખ રૃપિયા થઇ હતી. એટલે કે ખેડૂતને ૨૦૧૦માં જ દાડમની પાંચ હેક્ટર ખેતીમાંથી ૬૬.૪૫ લાખ રૃપિયાની આવક થઇ હતી. આ જ પ્રકારે ૨૦૧૧માં ખેડૂતને પ્રતિ હેક્ટર ૧૨ ટન આવક થઇ હતી. આ દરમિયાન ખેડૂતને ભાવ માત્ર પ્રતિકિલોએ રૃપિયા ૭૫ જ મળતાં હેક્ટરદીઠ ૯ લાખની આવક સામે ખર્ચ હેક્ટરદીઠ ૧.૫૦ લાખ આવતાં ખેડૂતને એક હેક્ટરદીઠ ૭.૫૦ લાખ એટલે પાંચ હેક્ટરદીઠ ૩૭ લાખ રૃપિયાની જ આવક મળી હતી. ૨૦૧૨માં ખેડૂતને આવક વધતાં હેક્ટરદીઠ ઉત્પાદન ૨૬ ટન મળ્યું હતું, પરંતુ આ વર્ષે પણ પ્રતિ કિલો ભાવ માત્ર ૬૬ રૃપિયા મળતાં ખેડૂતને પ્રતિ હેક્ટરદીઠ આવક ૧૭.૧૬ લાખ સામે ખર્ચ ૨.૦ લાખ થયો હતો. એટલે કે હેક્ટરદીઠ ખેડૂતને ૧૫.૧૬ લાખ રૃપિયા આવક થતાં ૭૫.૮૦ લાખ રૃપિયા ચોખ્ખો નફો મળ્યો હતો. – કરણ રાજપુત