જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ અમદાવાદ સહિત દેશભરના તમામ એરપોર્ટ પર એલર્ટ જારી કરી દેવાયું છે. તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા બમણી કરી દેવાઈ છે, આમ છતાં એક પાગલ શખ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ઘૂસી આવ્યો છે. પાગલ શખ્સની ઘૂસણખોરીના પગલે સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેની સમીક્ષા કરવાનો આદેશ કર્યો છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગઈકાલે શનિવારે સવારે એક શખ્સ ઘૂસી આવ્યો હતો. સીઆઈએસએફના કોન્સ્ટેબલ મકબૂલખાને ગઈકાલે સવારે પોણા દસ વાગે ઈન્સ્પેકટર હનુમાનલાલ બાલુરામ કાસોટીયાને વોકીટોકી સેટ પર લાલ કલરની ટી શર્ટ પહેરેલો એક શખ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાંમ બાઉન્ડ્રી વોલ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હોવાની સૂચના આપી હતી. જેથી ઈન્સ્પેકટર હનુમાન કાશોટીયા તુરંત સ્થળ પર પહોંચી ગયા હતા. ઘૂસણખોરી કરનારા શખ્સની પૂછપરછ કરતા તે દિવાલ નંબર ટીડબ્લ્યુ-90 કૂદીને અંદર આવ્યો હતો તે સ્થળ બતાવ્યું હતું. સોકા પોશલસિંઘ નામના માનસિક રીતે અસ્થિર જણાતા શખ્સ પાસેથી એક ડાયરી અને બે તૂટેલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ઈન્સ્પેકટર હનુમાન કોશટીયાએ એરપોર્ટમાં ઘૂસણખોરી કરનારા શખ્સને એરપોર્ટ પોલીસને સોંપી ક્રિમીનલ ટ્રેસપાસની ફરિયાદ આપી છે. એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધી માનસિક અસ્થિર આરોપીને સારવાર માટે દિલ્હી દરવાજા મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
પાગલ પણ એરપોર્ટમાં આસાનીથી ઘૂસી શકે છે
અમદાવાદ એરપોર્ટ પર બમણી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં એક પાગલ આસાનીથી દિવાલ કૂદીને અંદર આવી શકે છે તે ઘટના ચોંકાવનારી અને ચેતવણીરૂપ છે. એરપોર્ટની એન્ટ્રી ગેટથી પ્રવેશ લેવા માટે અનેક સિક્યુરિટી લેયર ક્રોસ કરીને જઈ શકાય છે. જ્યારે રન-વે તરફ આવેલી કમ્પાઉન્ડ વોલ આસાનીથી ઓળંગી શકાય છે તે આ ઘટનાથી પૂરવાર થયું છે.
સારવાર બાદ આરોપી સામે કાર્યવાહી કરાશે – ડીસીપી
ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘૂસણખોરી કરનારા પાગલ શખ્સને સારવાર માટે મેન્ટલ હોસ્પિટલમાં મોકલી અપાયો હોવાનું તેમજ સારવાર પૂર્ણ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે તેવું ડીસીપી નિરજ બડગુજરે જણાવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા અંગે પૂછતા તેમણે કહ્યું કે, એરપોર્ટની સિક્યુરિટી સીઆઈએસએફની જવાબદારી છે.
પાગલ શખ્સની ક્રાઈમ બ્રાંચે પૂછપરછ કરી
ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક શખ્સે ઘૂસણખોરી કરી હોવાનો સંદેશો મળતા જ ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની શંકાના આધારે પૂછપરછ કરી છે. પાગલ શખ્સ એરપોર્ટની રેકી કરવા આવ્યો હોવાની શંકાને ધ્યાનમાં રાખી તેની માહિતી મેળવવા તેમજ તેની પાસેથી મળેલા બે મોબાઈલ ફોનની માહિતી મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે, આરોપી તૂટક તૂટક ભાષામાં બોલતો હોવાથી તેનું માત્ર નામ જ જાણી શક્યું છે. આરોપી સાચું નામ જણાવે છે કે નહીં તે અંગેની પણ હજી સુધી કોઈ ખરાઈ કરવામાં આવી નથી.
એરપોર્ટ કમ્પાઉન્ડ વોલને અડીને બનેલા મકાનનો જોખમી
એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક વખત સમીક્ષા થતી રહે છે, પરંતુ રન-વે તરફ આવેલો વિશાળ વિસ્તાર અને એરપોર્ટને અડીને બનેલા મકાનોના કારણે સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે અભેદ બને તેવી સંભાવનાઓ નહીવત છે. ભૂતકાળમાં કમ્પાઉન્ડ વોલને અડીને તેમજ તેની ઉપર સુધી બની ગયેલા મકાનો દૂર કરવા અથવા કમ્પાઉન્ડ વોલની ઉંચાઈ વધારવા રિપોર્ટ કરાયો છે. આ ઉપરાંત કોતરપુર ટર્નિંગ નજીકના રન-વે પર ફલાઈટ જ્યાંથી ટેક ઓફ અને લેન્ડ થાય છે તે ખૂબ જ જોખમી છે અને આતંકવાદી એકે-47 રાયફલથી પ્લેનને ટાર્ગેટ કરી શકે તેમ હોવાથી તેનો વિકલ્પ વિચારવા માટે પણ સૂચનો કેટલાય વર્ષો પહેલા કરાયા છે.