બરવાળા ડેરીમાં મંત્રી-ચેરમેનના ભ્રષ્ટ્રાચારને લઈ ડેરી બે મહિનાથી બંધ

ભાભર, તા.૧૭
ભાભર તાલુકાના બરવાળા ગામની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં રોજનું 2700 લીટર દૂધ ભરાવતા 200 ગ્રાહકો પરેશાન છે. અહીં ચેરમેન અને મંત્રીના ભ્રષ્ટાચારને લઇને છેલ્લા બે મહિનાથી ડેરી બંધ રહેતા હાલાકી ભોગવી રહ્યા છે.

બરવાળા ગામની સહકારી દૂધ ડેરીમાં ગેર વહીવટના કારણે છેલ્લા બે માસથી ડેરી બંધ પડી છે. ગ્રાહકોના દૂધ ભાવ વધારાના પૈસા અને એક મહિનાનો દૂધનો પગાર ડેરી દ્વારા ચૂકવવામાં ન આવતા જવાબદારો સામે દૂધ ઉત્પાદકોની રોષની લાગણી ફેલાઇ છે. બુધવારે દૂધ ડેરીમાં મીટીંગ થતાં હોબાળો મચી ગયો હતો. મોટાભાગના લોકો ચેરમેન સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા હતા. ચેરમેન મિટિંગમાં ગેરહાજર રહેતા તેઓ સામે વધુ આક્ષેપ થયા હતા. બે મહિનાથી ડેરી બંધ રહેતા પશુપાલકો આજુબાજુ આવેલા ગામો ભોડાળીયા, મલીપુરા અને ભીમબોરડી દૂધ ડેરીમાં દૂધ ભરાવા જાય છે.
ગામની ડેરીના ચેરમેન ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું કે ‘ડેરીમાંથી દૈનિક 2000નું દૂધ બારોબાર મંત્રી ડેરીમાંથી વેચી મારવાના કારણે ડેરી નુકસાનમાં છે. આ બાબતે તપાસ થવી જરૂરી છે.’

દૂધ મંડળીના મંત્રી કરસનભાઇ પટેલે જણાવ્યું કે ‘ચેરમેન બળજબરીથી ડેરીને પાણીવાળુ દૂધ પધરાવતા ડેરીને મોટું નુકસાન થયું છે. ડેરીના સોફા ટેબલ જેવી વસ્તુ ચેરમેન તેમના ઘરમાં લઈ ગયા છે અને પશુ દાણ પણ બારોબાર ડેરીમાંથી મંગાવી બરવાળા દૂધ ડેરી 4 લાખના નુકસાનમાં નાખી દીધી છે. તેના કારણે ડેરી બંધ છે. ચેરમેનની સામે યોગ્ય તપાસ કરવા માંગ છે.’