બર્થડે પાર્ટીની ઉજવણીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

અમદાવાદ, તા. 21.  શહેરના આનંદનગર વિસ્તારમાં બર્થડે પાર્ટીની ઉજવણીમાં ફાયરિંગ કરનાર શખ્સને રિવોલ્વર અને કાર સાથે આનંદનગર પોલીસે ઝડપી લીધો હતો. તેની સામે આનંદનગર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના આનંદનગર વિસ્તારમાં સેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા વિનસ એટલાંટિસ બિલ્ડીંગના પાર્કિંગમાં બર્થડે પાર્ટીની ઉજવણી માટે કેટલાક યુવકો રાત્રે પોણા બાર વાગ્યાના સુમારે ભેગા થયા હતા. આ બર્થડે પાર્ટીની ઉજવણી દરમિયાન એક શખ્સે આવેશમાં આવી જઈને પોતાની રિવોલ્વરમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે આસપાસના લોકોમાં ફફડાટની લાગણી ફેલાઈ હતી. આ ઘટના અંગે કોઈએ પોલીસને જાણ કરતાં તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ દરમિયાનમા ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ તપાસ કરતાં વિનસ એટલાંટિસ બિલ્ડીંગના પાર્કિંગ સ્થળે એક કાર પાસે ઉભેલા રઘુવિરસિંહ અંગતસિંહ ક્ષત્રિય (રહે. ગણેશનગર કોલોની, ગીતા ગૌરી સિનેમાની પાછળ, ઓઢવ, અમદાવાદ, મૂળ તખતપુર, જિલ્લો, મૌવ, ઉત્તર પ્રદેશ) નામના શખ્સની પૂછપરછ કરી હતી. જેમાં તે શખ્સે કહ્યું હતું કે એક સફેદ કારમાં કેટલાક મિત્રો સાથે આવ્યો હતો. બર્થડેની ઉજવણી માટે ભેગા થયા હતા અને ઉજવણીના ભાગરૂપે તેણે તેની પાસે રહેલી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. પોલીસને કાનપુર બનાવટની કાળા કલરની રિવોલ્વર તેની કારની સીટમાંથી મળી આવી હતી તેમજ એક જીવતો કારતૂસ અને પાંચ ખાલી કારતૂસ મળી આવ્યા હતા.

પોલીસે કારમાં રહેલી રિવોલ્વર, એક જીવતો કારતૂસ અને પાંચ ખાલી કારતૂસ મળીને કુલ રૂ. 50 હજાર તેમજ સફેદ કાર કિં. રૂ. એક લાખ મળીને કુલ દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને રઘુવિરસિંહ ક્ષત્રિયની ધરપકડ કરી હતી.

આ અંગે આનંદનગર પોલીસના એએસઆઇ દિલીપભાઈ રૂપજીભાઈએ રઘુવિરસિંહ ક્ષત્રિય તેમજ તેની સાથે શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.