બાઈક પર બેસીને આવેલી મહિલા નવજાત બાળકીને કચરામાં ત્યજી ફરાર

કુબેરનગર સિંધી કોલોની સામે મોદી કમ્પાઉન્ડ પાસેના ખુલ્લા પ્લોટમાંથી તાજી જન્મેલી બાળકી જીવિત હાલતમાં મળી આવી છે. સરદારનગર પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી નવજાત શિશુને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપી છે. બીજી તરફ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મહિલાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગઈકાલે સોમવારે સાંજે સાડા પાંચ વાગે કુબેરનગર સિધી કોલોની સામે આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી નવજાત બાળકી જીવિત હાલતમાં મળી આવી હતી. આ અંગેની જાણ થતા સરદારનગર પોલીસે સ્થળ પર પહોંચી બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડી સંદીપ ઉદાસી (રહે. શ્યામશરણ એપાર્ટમેન્ટ, નાના ચિલોડા)ની ફરિયાદ આધારે બાળકીને ત્યજી દેનારી માતા સામે ગુનો નોંધ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર એક બાઈક પર પાછળ બેસીને આવતા એક મહિલાના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે. બાળકીનો જન્મ કોઈ હોસ્પિટલમાં થયો હોવાની સંભાવનાના આધારે પોલીસે છેલ્લા બે-ત્રણ દિવસમાં જન્મેલી બાળકીઓનો ડેટા એકઠો કરવાની કામગીરી શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે, બાળકીને ત્યજી દેવા માટે મહિલાની સાથે તેનો પતિ આવ્યો હતો.