બાપુના સ્મારક મીની રાજઘાટ પર ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિએ અધિકારીઓ અને પદાધિકારીઓ ફરક્યા નહિ

મોડાસા,તા:૦૨

અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દેશવાસીઓ શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે. પરંતુ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગ્રામ(બાકરોલ) ખાતે આવેલ ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટ ગાંધી સ્મારક પ્રચલિત છે, જન્મજયંતિ નિમિત્તે આ સ્થળે જિલ્લામાંથી એકેય અધિકારી કે પદાધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું સુજ્યું ન હતું. જાણે બાપુ એકલા હોય અને બાપુને સ્વાર્થ પુરતાજ યાદ કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો હતો.

મોડાસાના મહાદેવગ્રામ(બાકરોલ) નજીક ડુંગર પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થીનું વિસર્જન કરવામાં આવ્યું છે અને સમાધિ સ્થળ બનાવી મીની રાજઘાટમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. ૧૫૦મી ગાંધી જન્મજયંતીએ પૂર્વ સાંસદ ર્ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર નિલેશ જોશી, કમળાબેન પરમાર, જીલ્લા ભાજપ મહામંત્રી શામળભાઈ પટેલ, કનુભાઈ પટેલ, હિમાંશુ વ્યાસ, અમિત કવિ અને સહીત ગણ્યા ગાંઠ્યા લોકએ પુષ્પાંજલિ અર્પણ કરી તથા સ્થાનિક શાળાના બાળકો, મોડાસા હાઈસ્કૂલ અને લો-કોલેજના વિદ્યાર્થીઓએ પ્રાર્થનાસભા, વકૃત્વ, ગાંધી નાટક અને ભજન ગાઈ શ્રદ્ધા સુમન અર્પણ કરી હતી સમયની સાથે અરવલ્લી જીલ્લાના અધિકારીઓ પણ બદલાયા હોય તેમ બાપુને વિસરી ગયા હોય તેમ શ્રદ્ધાંજલિ અર્પણ થી દૂર રહ્યા હતા.

જીલ્લાના રાજકારણીઓને ચૂંટણી આવતાની સાથે ગાંધી બાપુના નામે મત મેળવવા મહાદેવ ગ્રામ પહોંચી મીની રાજઘાટ પહોંચી જતા હોય છે, ભાજપના કે કોંગ્રેસના એકપણ મોટા કદના નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું સુજ્યું ન હતું. જીલ્લાના પ્રજાનોમાં નેતાઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું મુનાસીબ ન સમજતા “ હે રામ”ના શબ્દો સરી પડ્યા હતા. મહાદેવગ્રામ ખાતે આવેલ ગાંધી સ્મારકનું ૫૫ લાખના ખર્ચે નવીની કરણ કરવામાં આવ્યું છે.