બાબરાનાં મોટા દેવળીયામાં પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર

બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે પ્લોટ વિસ્તારમાં બનાવવામાં આવેલ પાણીની ટાંકીનું કામ નબળી ગુણવતા વાળું થયેલ હોય પાણી ભરવા માટે ઉપયોગ લઈ શકાય તેમ ન હોવાથી હાલ તો તે શોભના ગાઠિયા સમાન બની ગયેલ છે. ત્યારે આ બાબત ની જાણ મોટા દેવળીયા ગામના જાગૃત યુવા આગેવાન વિક્રમભાઈ ડેર તેમજ હસુભાઈ જાવિયા ને થતાં તેમણે આ અંગે તપાસ  આદરતા પાણીની ટાંકીનું કામ નબળી ગુણવતા વાળું થયું હતું અને મોટા પ્રમાણ માં ભ્રષ્ટાચાર થયો હોય તેવું પ્રાથમિક તપાસમાં તેમને જોવા મળ્યું હતું. ત્યારે તેમણે ત્વરિત પગલાં લઈ આ અંગે ની જાણ લેખિત માં અમરેલી ડીડીઓને કરી હતી અને યોગ્ય તપાસ કરાવી કોન્ટ્રાકટર અને પંચાયતના સદસ્ય વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા અને ન્યાયિક તપાસ કરાવવાની ધારદાર રજૂઆત કરી હતી. પરંતુ કોન્ટ્રાકટરની તંત્ર સાથેની મિલીભગત ના કારણે ડીડીઓ દ્વારા અત્યાર સુધી કોઈપણ જાતની કાર્યવાહી કે તપાસ કરવામાં આવેલ નથી. ભ્રષ્ટાચાર થયો હોવાનું વિક્રમભાઈ ડેરનું માનવું છે, જો ટૂંક જ સમય માં યોગ્ય ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરી નિરાકરણ લાવવામાં આવશે તેવી વિક્રમભાઈ ડેર તેમજ હસુભાઈ જાવિયા તરફ થી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.