બાબુ બોખીરીયાના બચાવમાં આવતી ભાજપ સરકાર

કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડને વિધાનસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાના નિર્ણય બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ સામે હુમલો કરતાં સરકાર બાબુ બોખીરીયાની મદદે આવે છે. બાબુ બોખીરીયાને અદાલતે 3 વર્ષની જેલની સજા કરેલી ત્યારે સરકારે કોઈ પગલાં લીધા ન હતા. પણ કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડ સામે પગાલાં લીધા હતા. જેની સામે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પડકારવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

સરકારે દલીલ કરી છે કે, સર્વોચ્ચ અદાલતે 10 જૂલાઈ 2013ના રોજ લીલી થોમસ સામેના કેસમાં ચુકાદો આપેલો છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિને કોઇ પણ અદાલત દોષિત જાહેર કરે અને બે વર્ષથી વધુની સજા કરે તો ચુકાદાની તારીખથી આપોઆપ એનું સભ્યપદ રદ થઈ જાય છે. સભ્ય તરીકે તે ગેરલાયક ઠરે છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો તા.10 જૂલાઈ  2013 પછીના તમામ કેસોમાં લાગુ પડે છે.

ચુકાદાની વિગતો વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે આ ચુકાદા અન્વયે યોગ્ય ચકાસણી કરીને કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડને ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કર્યો છે. એવું સરકાર પક્ષે કહેવું છે. બાબુ બોખીરીયા સામેના કેસમાં પોરબંદર અદાલતે 15 જૂન, 2013ના રોજ સજા કરી હતી એટલે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા આ સજા થયેલી હતી.
તે જ દિવસે જે.એફ.એમ.સી. કોર્ટે જામીન મંજૂર કરી દીધા હતા અને તે પછી ઉપલી કોર્ટે પણ સજાના અમલ પર ‘સ્ટે’ આપેલો અને અપીલમાં તેઓ નિર્દોષ જાહેર થયેલા છે.
ભારતના ચુનાવ આયોગે પણ સર્વોચ્ચ અદાલતના લીલી થોમસ કેસના ચુકાદા અંગે 13 ઓક્ટોબર 2015ના પરિપત્ર કરીને જન પ્રતિનિધિને ગેરલાયક ઠેરવવા અંગેના દિશાનિર્દેશો આપેલા છે.
કાયદા અને સંસદીય બાબતોના પ્રધાન પ્રદીપ જાડેજાએ કહ્યું હતું કે, આ તો માત્ર સુપ્રિમ કોર્ટના 2013ના ચુકાદાની માર્ગદર્શીકા અને ચૂંટણી પંચના પરિપત્રનું વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પાલન કરવામાં આવ્યું છે.