બામરોલી પાસે ઊભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું ઘટનાસ્થળે મોત

બોડેલી, તા.07

બોડેલી નજીક ડભોઇ રોડ પર આવેલ બામરોલી ગામ પાસે ગતરાત્રિના રોડ પર ઊભી રહેલી ટ્રકની પાછળના ભાગે મોટરસાયકલ લઈને આવી રહેલો એક યુવાન ઘૂસી જતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.  બોડેલી પીકઅપ સ્ટેન્ડ વિસ્તારમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરૈયા ગામના બ્રાહ્મણવાસમાં રહેતા ભરતભાઈ કનુભાઈ જોષીનો 22 વર્ષીય યુવાન દીકરો રાહુલ કુમાર જોષી છેલ્લા આઠેક માસથી બોડેલીમાં જ રહી વી પી કુરિયર સર્વિસમાં નોકરી કરતો હતો. તા.૬નાં રોજ તે તેની મોટરસાયકલ નંબર  લઈને ઘરેથી બોડેલી આવવા નીકળ્યો હતો ત્યારે વડોદરાથી બોડેલી તરફ આવતા રાત્રિના સમયે બોડેલી નજીકના બામરોલી ગામ પાસે છેલ્લા બે દિવસથી અકસ્માત થઈ રોડ પર પડી રહેલી એક ટ્રક ની આગળ કે પાછળ કોઈ આડાશ મુકેલી ન હતી કે ટ્રક પાછળ કોઈ રેડિયમ પટ્ટી લગાવી ન હોય રાત્રિના અંધકારમાં ટ્રક ન દેખાતા રાહુલ તેની મોટરસાયકલ સાથે પાછળના ભાગમાં ઘુસી ગયો હતો. અકસ્માતમાં રાહુલને માથાના ભાગમાં અતિ ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માતના બનાવની જાણ રોડ પરથી પસાર થતા કોઈ વાહનચાલકે 108 ને કરતા 108 તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી ત્યારે બોડેલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પરંતુ અકસ્માતમાં ૨૨ વર્ષીય યુવાન રાહુલ જોષીનું સ્થળ પર જ મોત નીપજ્યું હોય બોડેલી પોલીસે રાહુલ જોશીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જબુગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો.

 

Read More
Bottom ad