બામ્બુ માંથી 100 કલાત્મક વસ્તુ નિર્માણ કરતી સંસ્થા શરૂં

February 2nd, 2018

આહવા ખાતે પૂર્ણા બામ્બુ કોમ્યુનિટિ ફેસિલિટિ સેન્ટરનું લોકાર્પણ કરતા રાજ્ય ફોરેસ્ટ ફૉર્સના વડા શ્રી કુલદીપ ગોયલ

ગુજરાત ફોરેસ્ટ ફૉર્સના વડા એવા રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી કુલદીપ ગોયલે તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાત લઇ, વન વિભાગનાં બે નવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.ઉત્તર ડાંગ વન વિભાગના સને ર૦૧૬/૧૭નાં વર્ષમાં બામ્બુ પ્રોજેક્ટ હેઠળ ફાળવાયેલી રુા.પ૦ લાખની રાશી માંથી, આહવા ખાતે તૈયાર કરાયેલા કોમ્યુનિટિ ફેસિલિટી સેન્ટરનું શ્રી ગોયલના હસ્તે લોકાર્પણ કરાયુ હતું. અહીં વન વિભાગ દ્વારા ડાંગના મુખ્યત્વે કોટવાળિયા સમુદાયના યુવક/યુવતિઓને બામ્બુ માંથી ફર્નિચર સહિત કલાત્મક ચીજવસ્તુઓનાં નિર્માણની તાલીમ આપી, સ્વરોજગારી પુરી પાડવાનું આયોજન હાથ ધરાયું છે.વાંસ માંથી જુદી જુદી ૧૦૦ થી વધુ કલાકૃતિઓનું નિર્માણ કરી,તેનું વેચાણ કરીને સ્થાનિક રોજગારી માટે યુવક/યુવતિઓને અગ્રેસર કરવાના હેતુથી શરૂ થયેલા આ અભિયાન હેઠળ,વન વિભાગની નૉડલ એજન્સી દ્વારા ડાંગના કારીગરોને સ્ટાઇપેન્ડ સાથેની તાલીમ, અને સાધનો, મશીનરોના ઓપરેટીંગનું પણ વિસ્તૃત જ્ઞાન આપવામાં આવે છે.
સૂચિત પૂર્ણા વાંસ કામદાર સહકારી મંડળીના નેજા હેઠળ અહીં પ્રથમ તબક્કે આહવા-આંબાપાડાના કુલ રર યુવક/યુવતિઓને રૂા.પ હજારના માસિક સ્ટાઇપેન્ડ સાથે પ્રવૃત્ત કરાયા છે.ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં આ અગાઉ કોટવાળિયા સમુદાયના લોકો વાંસ માંથી ટોપલા/ટોપલી જેવી પરંપરાગત નાની ચીજવસ્તુઓ બનાવી આજિવીકા મેળવતા હતા.જેમની નવી પેઢીને વન વિભાગ દ્વારા આધુનિક મશીનરીના ઉપયોગથી, લેટેસ્ટ ડીઝાઇનનુ ફર્નિચર તથા કલાત્મક ચીજવસ્તુઓનાં ઉત્પાદન તરફ વાળી, રોજગારી સર્જન સાથે તેમનાં જીવન ધોરણમાં બદલાવ લાવવાનો સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો છે,તેમ ડાંગના નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગિ્નશ્વર વ્યાસ,અને ડૉ.ધીરજ મિત્તલે પૂરક વિગતો આપતા જણાવ્યું હતું.
પુર્ણા બામ્બુ સી.એફ.સી. ઉપરાંત શ્રી કુલદીપ ગોયલ દ્વારા આહવાના વન વિશ્રામ ગૃહના પટાંગણમાં નવનિર્મિત કરાયેલા વનાંચલ આરામગૃહનાં બે ઓરડાઓનું પણ લોકાર્પણ કરાયુ હતું.બિ્રટિશ શાસનકાળથી ડાંગ જિલ્લામાં વન સંરક્ષણ અર્થે આવતા ફોરેસ્ટ ઓફિસરોના આવાગમન સમયે, તેમના નિવાસની વ્યવસ્થા માટે શ્રૃંખલાબદ્ધ રીતે તૈયાર કરાયેલા ડાંગના વન વિભાગના રેસ્ટ હાઉસો પૈકી, કેટલાક આરામ ગૃહો ૧૦૦ વર્ષથી વધુ સમયના છે. તેમને હેરિટેજ ભવન તરીકે જાળવી, આધુનિક સગવડો સાથે કાયાકલ્પ કરવાનો આયામ વન વિભાગ દ્વારા હાથ ધરાયો છે.જેના ભાગરૂપે આહવા ખાતે વનાંચલનાં બે રૂમોનું પણ શ્રી ગોયલના હસ્તે લોકાર્પણ કરાયુ હતું. જેનો લાભ ડાંગના ફોરેસ્ટ ઓફિસરોને મળી રહેશે.ડાંગની મુલાકાતે સપરિવાર પધારેલા અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી કુલદીપ ગોયલ તથા મહાનુભાવોનું ડાંગની સાંસ્કૃતિક ઝલક દર્શાવતા ડાંગી નૃત્ય સાથે ભવ્ય સ્વાગત કરાયુ હતું. દરમિયાન ફોરેસ્ટ ફૉર્સના ચૂસ્ત જવાનોએ ફૉર્સના વડા સમક્ષ શિસ્તબદ્ધ પરેડ રજુ કરીને, તેમની ચૂસ્તી-સ્ફૂતિનો પરિચય પણ આપ્યો હતો.ઉચ્ચાધિકારીઓએ વન વિભાગના અધિકારીઓ સાથે વન વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજી, ઉપયોગી માર્ગદર્શન પણ પુરૂ પાડયુ હતું. મહાનુભાવોના હસ્તે વનાંચલના પટાંગણમાં બાળવૃક્ષોનું વાવેતરણ પણ કરાયુ હતું.
આહવાની સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા પૂર્ણા બામ્બુ કોમ્યુનિટિ ફેસિલિટી સેન્ટરનાં લોકાર્પણ સહિત, વન વિભાગના રેસ્ટ હાઉસ ખાતે વનાંચલના નવા રૂમોના લોકાર્પણ વેળા, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી કુલદીપ ગોયલની સાથે,વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી એમ.જે.પરમાર, દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી ડૉ.ધીરજ મિત્તલ, અને ઉત્તરના નાયબ વન સંરક્ષક શ્રી અગિ્નશ્વર વ્યાસ, એ.સી.એફ. સર્વશ્રી ટી.એન.ચૌધરી તથા એ.વાય.ટોપિયા, પરિક્ષેત્ર વન અધિકારી શ્રી નટુભાઇ પટેલ, ફોરેસ્ટ ફૉર્સના જવાનો, માહિતી વિભાગની ટીમ, તાલીમાર્થીઓ, કલાકારો વિગેરેએ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા અદા કરી હતી.