13/12/2018
હિંમતનગર તાલુકાના હડીયોલ ગામના વ્યક્તિએ વાત્રક ડેમમાંથી માછીમારીનો ઇજારો લીધા બાદ શાંતિથી માછીમારીનો ધંધો કરવા દેવા માટે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રૂ. 40 લાખની ખંડણી માગી હોવા અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ અને ઓડીયો રેકોર્ડીંગ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
એ ડિવિઝનમાં હડીયોલના હસમુખભાઇ મગનભાઇ પટેલે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિરુદ્ધ રૂ. 40 લાખની ખંડણી માંગી હોવાની કરેલ લેખિત ફરિયાદની વિગત એવી છે કે હસમુખભાઇ પટેલ ફીશરીઝનો ધંધો કરે છે અને વર્ષ 2017 ની સાલમાં વાત્રક ડેમનુ ટેન્ડર ભરતા સૌથી ઉંચુ ટેન્ડર હોઇ તેમને ઇજારો સોંપવામાં આવ્યો હતો અને તેઓ કામ ચલાવતા હતા.
2017 ની ચૂંટણીમાં બાયડ-માલપુર વિધાનસભા બેઠક પર ચૂંટાઇ આવેલ ધવલસિંહ ઝાલાએ ગામ લોકોને ઉશ્કેરીને કામ બંધ કરાવી દીધેલ અને તમારે શાંતિથી કામ કરવુ હોય તો અમોને સાચવવા પડશે તેમ કહી સાચવવાના ભાગરૂપે રૂ. 40 લાખની ખંડણી માગી હોવાના ગંભીર આક્ષેપ સાથે હસમુખ મગન પટેલે ધારાસભ્યએ રૂ.40 લાખની કરેલ માગણીવાળુ કથિત ઓડીયો રેકોર્ડીંગ પણ એ ડિવિઝન પોલીસને ફરિયાદની સાથે સોંપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ઓડીયો ક્લીપની સત્યાર્થતા FSL દ્વારા પ્રસ્થાપિત થશે જે દૂરની વાત છે ધારાસભ્ય વિરુદ્ધ ખંડણી માંગવાના થયેલ આક્ષેપને પગલે બંને જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
બાયડ ધારાસભ્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરનાર હસમુખભાઇ મગનભાઇ પટેલે જણાવ્યુ હતુ કે આ અંગે મે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં એસીબીમાં જવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ એસીબી દ્વારા જણાવાયુ હતુ કે આ પૈસા વસૂલવાનો આક્ષેપ છે જેથી ફોજદારી કેસ બને છે તમારે ફરિયાદ કરવી પડશે એટલા માટે મેં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જોકે, ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ શખ્સ ખોટી ફરિયાદો કરવા ટેવાયેલો છે. અગાઉ પણ તેણે એક અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. મારી સામેના આક્ષેપ ખોટા છે.