બાયડ, તા.19
આ દેશમાં કાયદાઓ અને નિયમો માત્ર આમ આદમી માટે જ હોય તેવુ લાગી રહ્યુ છે. જેની પર સતા અને તંત્રની છત્રછાયા છે તેઓને કાયદાના બંધનો નડતા નથી. લોકતંત્રમાં તેઓ મનસ્વીપણે વર્તી શકે છે કારણકે આ લોકો પર સતાના ચાર હાથ છે, કાયદો- પોલીસ તેમના ખિસ્સામાં છે. મનીપાવર અને મસલ પાવરથી તેઓ પ્રજાનો વિરોધી સુર પણ દાબી દેવા સમર્થ છે. હાલ ભાજપના બાયડ વિધાનસભાના ઉમેદવાર એવા ધવલસિંહ ઝાલા આ વાતનું જીવંત ઉદાહરણ છે. સરકારના તમામ નિયમોને ઘોળીને પી ગયેલા ધવલસિંહ ઝાલા એપોલો એન્જીનીયરીંગ કોલેજની માલિકી ધરાવે છે, આ કોલેજ ગેરકાયદે હોવા છતા ધમધમી રહી છે. જયારે આ અંગે ધવલસિંહ સામે એકટીવીસ્ટ જગદીશ પટેલ દ્વારા આરટીઆઈ કરવામાં આવી ત્યારે તેઓ લાજવાને બદલે ગરજી રહ્યા છે, અને મંત્રીઓ મારફતે આરટીઆઈ એકટીવીસ્ટને ફોન પર ધમકીઓ આપી રહ્યા છે.
કોના ઈશારે આ ગેરકાયદે કોલેજ ધમધમે છે?
ધવલસિંહ ઝાલા એપાલો એન્જી.કોલેજ ગેરકાયદે રીતે ધમધમી રહી છે ત્યારે પ્રશ્ન એ છે કે સીએમ રુપાણી તમામ સંસ્થઓને કાયદેસર કરવા માટે સુચના આપી રહ્યા છે ત્યારે ધવલસિંહ ઝાલાને આ બાબતે કેમ કોઈ સુચના આપવામાં આવી નથી. આ ઈજનેરી કોલેજ પાસે જયારે પરવાનગી જ નથી તો પછી કોના ઈશારે આ કોલેજ ચાલી રહી છે? શું ધવલસિંહે હવે ભગવો ખેસ પહેરી લીધો એટલે ભાજપ સરકાર આંખ આડા કાન કરી રહી છે તેવા પ્રશ્નો અહી ઉપસ્થિત થવા સ્વભાવિક છે.
એઆઈસીટીઈના નિયમનું ઉલ્લંઘન
આરટીઆઈમાં કોલેજમાં એઆઈસીટીઈના નિયમનું ઉલ્લંઘન થતુ હોવાનું પણ સામે આવ્યુ છે. આ નિયમ પ્રમાણે કોલેજ ચલાવવા માટે ચાર આસીસટન્ટ પ્રોફેસર, બે એસોસિયેટ પ્રોફેસર અને એક પીએચડીની પદવી ધરાવતા પ્રોફેસર હોવો જોઈએ પરંતુ નિયમોને ઘોળીને પી ગયેલા ધવલસિંહની આ કોલેજમાં પ્રોફેસર કક્ષાનો સ્ટાફ જ નથી. આમ કોલેજમાં જયારે પ્રોફેસરની લાયકાત અંગે જ પ્રશ્નો હોય ત્યારે તેઓ વિધાર્થીઓને શું ઉતમ અભ્યાસ કરાવી શકતા હશે? અહી અપાતા ટેકનીકલ શિક્ષણની ગુણવતા કેટલી હશે? તેવા અનેક પ્રશ્નો ઉભા થાય છે.
કોર્ટમાં મુદ્ત હોવા છતા ધવલસિંહની હાજરી નહી
એકટીવસ્ટ જગદીશ પટેલ દ્રારા ગેરકાયદે ધમધમતી એપોલો એન્જીનીયરીંગ કોલેજ અંગે ધવલસિંહ આરટીઆઈ કરવામાં આવી અને કોર્ટ સમક્ષ માલિક ધવલસિંહ ઝાલા વિરુધ્ધ પુરાવા પણ રજુ કર્યા હતા. જો કે તમામ કાયદા નિયમોને નેવે મુકીને ચાલવામાં માનતા ધવલસિંહ 27મી ઓગષ્ટે કોર્ટમાં મુદ્ત હોવા છતા પણ હાજર રહ્યા ન હતા અને પોતાના માણસને મોકલી દીધો હતો. હવે કોર્ટની મુદ્ત 5 નવેમ્બરે છે ત્યારે જોવાનું એ છે કે આ ગેરકાયદે એપોલો એન્જી. કોલેજ કાયદેસર થઈ જશે? કે પછી કોઈ કાર્યવાહી કરવામાં આવશે.