બાયડ, તા.૧૪ અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે. વીજ કરંટ લાગવાથી જીલ્લામાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બની જવાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે બાયડ તાલુકાના લાલપુર-જુમાત્રાલ ગામે ઘર નજીક પશુઓ માટે બનાવેલ તબેલામાં ભરાવેલી દૂધની બરણી લેવા જતા ૩૫ વર્ષીય મહિલાને વીજકરંટ લાગતા મહિલાને બચાવવા જતા એક યુવક અને મહિલાને વીજકરંટ લાગતા ત્રણે વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડાતા ૩૫ વર્ષીય મહિલાનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી.
શુક્રવારે રાત્રીના સુમારે, બાયડના લાલપુર જંત્રાલ ગામે રાવળ ફળિયામાં રહેતા ફૂલા ભગત તરીકે જાણીતા પરિવારની મહિલાનું વીજકરંટથી મોત નિપજતા અને પરિવારના બે સભ્યો ગંભીર ઈજાગ્રસ્ત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘર નજીક પશુઓ માટે બનાવેલ તબેલામાં રાત્રીના સુમારે તબેલામાં ભરાવેલી બરણી લેવા જતા વિદ્યાબેન પ્રભાતભાઈ રાવળ(ઉં.વર્ષ-૩૫)ને તબેલા નજીકથી પસાર થતા વીજ વાયરમાંથી વીજ કરંટ ઉતરતા મહિલાને વીજકરંટ લાગતા બરણી સાથે ચોંટી જતા બુમ પાડતા ઘરમાં રહેલા જગદીશભાઈ અને અન્ય એક મહિલા બચાવવા જતા તેમને પણ વીજકરંટ લાગતા ત્રણે જમીન પર પટકાતા પરિવારજનો અને આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ત્રણેને સારવાર અર્થે દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે ૩૫ વર્ષીય મહિલાને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે પંચનામું કરી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
વીજકરંટ થી ૩૫ વર્ષીય મહિલા વિદ્યાબેન પ્રભાતભાઈ રાવળનું મોત નિપજતા મહિલાના નાના ત્રણ ભુલકોએ આક્રંદ કરી મુકતા અને મમ્મીને ઉઠાડોની જીદ પકડાતા ઉપસ્થિત લોકોએ ભારે હૈયે મમ્મી તો ભગવાનના ઘરે પહોંચી ગઈ સમજાવવા મથામણ કરી હતી.