બાયડ, તા.૦૫
બાયડના ચોઇલામાં શનિવારની રાત્રીએ સાંઇબાબા અને બહુચર માતાજીના મંદિરને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે બાર કલાક કરતા ઓછા સમયમાં તસ્કર ટોળકીના સાગરીતને ઝડપી પાડી રૂ.4,57,380નો મુદ્દામાલ કબજે લઇ આઠ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખી પંચમહાલ જિલ્લાની તસ્કર ટોળકીને ઝબ્બે કરવા બાયડ પી.એસ.આઇ કે.કે. રાજપૂતે કવાયત હાથધરી છે.
બાયડ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને મંદિરોને ટાર્ગેટ બનાવી છેલ્લા પાંચ માસમાં આઠ ચોરીઓને અંજામ આપી તસ્કર ટોળકી તરખાટ મચાવતા જિલ્લા પોલીસવડા મયુર પાટીલની સુચનાથી પી.એસ.આઇ કે.કે રાજપૂતે સ્ટાફના કરણસિંહ, નરેન્દ્રસિંહ મોરદાન, મહેશભાઇ અને સંદિપકુમાર, રવિકુમાર બે ટીમો બનાવી વિક્રમસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, દરમ્યાન બાયડ બસસ્ટેશન પાસેના કેબીન પાસે શખ્સ શકમંદ હાલતમાં જણાતાં પોલીસે પૂછતાં નરપતભાઇ અણદાભાઇ બારીયા રહે.ડામોર, ચારેલ ફળીયુ પાંચમુળા,સંતરામપુર જિ.મહિસાગર હોવાનું જણાવતા પોલીસે તલાશી લેતા તેની પાસેથી ભગવાન અને માતાજીની મૂર્તિના આભૂષણો રોકડ રકમ તેમજ લોખંડના સળીયા કાપવાનો ડાગ, અરપૂણી પક્કડ અને 5 ચપ્પુ મળી આવ્યા હતા. જે ચોઇલા સાંઇ મંદિર અને બહુચરાજી મંદિરમાથી ચોર્યાનું જણાવતા પોલીસે પૂછપરછ કરતા બાયડ-રડોદરા ગાબટ-સાઠંબા તેમજ ચોઇલામાં આઠ ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
તસ્કર ટોળકી પોતાના વતન ડામોર-ચારેલ ફળી પાંચમુવા-સંતરામપુરથી દિવસે બાઇક લઇને બાયડ આવી આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અને મંદિરમાં રેકી કરી પરત જતા બીજા દિવસે સાંજે એસ.ટી દ્વારા બાયડ આવી રાત્રે ચોરીને અંજામ આપી વહેલી સવારે વતન રવાના થઇ જતા. સૌથી અગત્યની તો એ બાબત છે કે તસ્કર ટોળકી ચોરીને અંજામ આપવા અજમાવતી ત્યારે મોબાઇલ પણ વાપરતી ન હતી.