બાયડ નજીક ખેતરમાં વીરપ્પનનો ત્રાટક્યા : ૩ લાખના ૭ ચંદનના ઝાડ કટરથી કાપી ચોરી કરી ફરાર

બાયડ, તા.૨૧  બાયડ શહેરના ગાબટ રોડ પર આવેલા ખેતરમાં ખેડૂતે ૧૪૦ સફેદ ચંદનના છોડનું વાવેતર કરી છેલ્લા ૧૦ વર્ષથી ભારે માવજત પછી ઝાડના રૂપમાં તૈયાર થયા હતાં. ખેતરમાં ઉભા ચંદનના ઝાડ જોઈ ચંદનચોર ટોળકી ત્રાટકી ૭ ચંદનના ઝાડ કાપી અને ૧૫ ઝાડ પર ઘા મારી રફુચક્કર થઈ જતા ભારે ચકચાર મચી હતી. ખેતરમાં ઉભા ચંદનના ઝાડ કાપીને લઈ જવામાં આવતા ખેડૂતે બાયડ પોલીસને જાણ કરતા બાયડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બાયડ શહેરથી ૨ કિમી દૂર ગાબટ રોડ પર આવેલા વિઠ્ઠલભાઈ શંકરભાઈ પટેલના ખેતરમાં ગુરુવારે રાત્રિના સુમારે વીરપ્પનનો ત્રાટકી ખેતરમાં ઉભા ચંદનના ૧૪૦ ઝાડમાંથી ૭ ચંદનના ઝાડ કટરથી કાપી અને ૧૫ જેટલા ચંદનના ઝાડ પર કાપા મારી ૭ ઝાડની ચોરી કરી લઈ જતા ખેડૂતના માથે આભ તૂટી પડ્યું હતું. ૧૦ વર્ષની ભારે જહેમત પછી જતન કરેલા ચંદનના ઝાડની ચોરી થતા અંદાજે ૩ લાખ રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ચંદનના ઝાડની ચોરી અંગે બાયડ પોલીસને જાણ કરતા બાયડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બાયડ પંથકમાં ચંદન ચોર ટોળકી સક્રિય થતા ચંદનના ઝાડની ખેતી કરનાર અને ખેતરમાં અને ઘર આગળ એકલ-દોકલ ચંદનના ઝાડ ધરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.