બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં શું હશે ?

સરકારે વિધાનસભામાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના માટેનું વિધેયક મંજૂર કરાવ્યું છે. આ યુનિવર્સિટી શોધ અને સંશોધન આધારિત અભ્યાસક્રમ કરશે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની આગવી પ્રોડક્ટ, પ્રોસેસ કે પ્રોટોટાઇપ વિકસાવશે અને તેના પર આધારિત ઉદ્યોગ સ્થાપવાની પણ તાલીમ મેળવશે.

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની રચના કરતા પહેલા, રાજ્યની 15 યુનિવર્સિટીના 600થી વધુ વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. જેનાં તારણો અનુસાર, મહદ્અંશે વિદ્યાર્થીઓ થીયરીટીકલ નોલેજ સાથે સંકળાયેલ હતા. પણ તેમને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા પ્રેક્ટીકલ ભણાવવામાં આવતું નથી. તેથી મુખ્યત્વે વિદ્યાર્થીઓએ રીસર્ચ અને પ્રેક્ટિસ આધારિત પ્રોગ્રામમાં જોડાવા પોતાની ઉત્સુકતા દર્શાવી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષણવિદો, ફેકલ્ટીઝ અને વૈજ્ઞાનિકો સાથે જરૂરી પરામર્શ પણ કરવામાં આવ્યો હતો.

ખાસિયત

ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને ટેકનોલોજીના વ્યાપારીકરણ માટે કાનૂની અને પ્રોસેસ સંબંધી અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવશે.

બાયોટેકનોલોજી અને સંલગ્ન વિજ્ઞાનમાં અદ્યતન શિક્ષણ, તાલીમ, પ્રોડક્ટ આધારિત સંશોધન, ઉત્પાદન કેન્દ્રિત વિકાસ અને ટેકનોલોજીના વાણિજ્યીકરણ માટે વૈશ્વિક ધોરણો અનુસાર બૌદ્ધિક સંપત્તિ અને કૌશલ્ય આધારિત પદ્ધતિ વિક્સાવવા માટેની ક્ષમતાઓ ઊભી કરવામાં આવશે;

પ્રોડક્ટ આધારિત શિક્ષણ પ્રણાલી સાથે હયાત ઉદ્યોગગૃહને સાંકળવામાં આવશે. રાજ્ય અને રાષ્ટ્રના બાયોટેકનોલોજીની મદદથી ઉકેલી શકાય તેવા પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસો કરવામાં આવશે.

ઉદ્યોગો માટે ઉચ્ચ જ્ઞાન, કૌશલ્યો અને ટેકનોલોજીથી અપડેટેડ માનવબળ ઉભું કરવામાં આવશે. રાજ્યમાં ઉદ્યોગો સ્ટાર્ટ-અપ્સ માટે પ્રોડક્ટ પાઈપલાઈન વિકસાવવામાં આવશે.

એડવાઇઝરી કાઉન્સિલ શિક્ષણ પ્રણાલી, સંશોધન પ્રણાલી અને ઉદ્યોગો સાથેના જોડાણ સહીત ફેરફારો અને જોડાણો માટે સલાહ આપશે.