સુરત ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ટ્યુશન ક્લાસના સંચાલકો સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. તંત્ર અચાનક જાગ્યું છે અને તાકીદે પગલા ભરવા માટે રાજ્યભરના ટ્યુશન ક્લાસ નિયત સમયમર્યાદા સુધી બંધ રાખવાના આદેશો અપાયા છે.
મહીસાગર જીલ્લા કલેકટર આર.બી.બારડે સરકારી અધિનિયમ 144 હેઠળ હુકમ બહાર પાડી જિલ્લામાં આવેલ તમામ ટ્યુશન કલાસીસ 23મી જૂન સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. છતાં બાલાસિનોરના ટ્યુશન સંચાલકોએ આ આદેશ ને અવગણીને પોતાની મનમાની જ ચાલુ રાખી છે. બાલાસિનોરમાં જાહેરમાં ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા છે. કલેકટરના હુકમનો અનાદર કરતા આવા ટયુશનના સંચાલકો સામે કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી છે.
હમણાં થોડાક સમય પહેલા જ સુરતના સરથાણા જકાતનાકા પાસે ચાલતા ટ્યુશન ક્લાસમાં આગ લાગવાના બનાવથી ૨૦ વિદ્યાર્થીઓના કરુણ મોત અને અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાના બનાવથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, આ ઘટનાથી રાજ્યનું તંત્ર સફાળું કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે. આ ઘટનાના પ્રતિસાદ રૂપે રાજ્યભરના ટ્યુશન કલાસીસ તાકીદે બંધ કરાવી દેવાયા હતા.
બાલાસિનોરમાં જાહેર રસ્તાઓની દુકાનોમાં તથા સોસાયટીમાં ટ્યુશન ક્લાસ શરુ થઈ ગયા છે. જેના કારણે તંત્રની ભારે ટીકા થઇ રહી છે. ટ્યુશન ક્લાસ શરુ થવાના કારણે વિદ્યાર્થીઓનો ઘસારો હોય તેમાં કોઈ નવાઈ નહિ પરંતુ સરકાર દ્વારા બહાર પડેલ હુકમનું અનાદર કરતા ટ્યુશન ક્લાસિસના સંચાલકો વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરાય તેવી માંગ ઉઠી રહી છે.