અમદાવાદ, તા.15
બનાસકાંઠાના ખેરમાળ ગામની 17 વર્ષની સગીરાને દોઢ લાખ રૂપિયા લઈને અમદાવાદના યુવક સાથે પરણાવી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાળ લગ્નની માહિતીના પગલે મહિલા પોલીસે બાળ સુરક્ષા અધિકારી સાથે મળીને સગીરાને શોધી કાઢી તેને ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. બીજી તરફ મહિલા ક્રાઈમ બ્રાંચમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં આવેલા ખેરમાળ ગામમાં રહેતા પરિવારની એક સગીર દિકરીના અમદાવાદના યુવક સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. બાળ લગ્ન કરાવવા પાછળ રૂપિયાની લેવડદેવડ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. રૂપિયાની લેવડદેવડમાં વાંધો પડતા બાળ લગ્નનો ભાંડો ફૂટી ગયો હતો અને સગીરાના લગ્નના ફોટા-વિડીયો વાઈરલ થઈ ગયા હતા. જેના પગલે સરકારી તંત્ર હરકતમાં આવી ગયું હતું.
સગીરાના લગ્ન અમદાવાદ મેઘાણીનગર ચમનપુરા વિસ્તારમાં કરવામાં આવ્યા હોવાની માહિતી મળતા મહિલા પોલીસની ટીમ અને બાળ સુરક્ષા અધિકારી તુરંત સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર સગીરાના સાસુ મળતા તેમની પૂછપરછમાં કિશોરી તેની નણંદના ઘરે કુબેરનગર ખાતે હોવાની જાણકારી મળી હતી. પોલીસે કુબરેનગર ખાતેથી કિશોરીને રેસ્કયુ કરી તેને ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે.