સમી, તા.01
સમી તાલુકાના બાસ્પા ગામે બેસતા વર્ષના દિવસે સવારે કનીજ ચાર રસ્તા પર નાડોદા અને દરબાર જ્ઞાતિના યુવાનો વચ્ચે ઝગડો ગયા બાદ મામલો શાંત પડ્યો હતો પણ બપોરના સુમારે ગામમાં બન્ને જુથોના ટોળાઓ સામસામે આવી જતાં લોહીયાળ ધીંગાણું ખેલાયું હતું જેમાં નાડોદા યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 8 લોકોને ઈજાઓ થઈ હતી. હત્યાને પગલે પત્થરમારો, વાહનોની તોડફોડ સહિત ધમાસાણ મચી જતાં પોલીસ દોડી આવી હતી.જેમા પથ્થરમારામા એક પોલીસ જવાનને પણ પથ્થર વાગતા ઈજાઓ પહોંચી હતી.બન્ને પક્ષના 19 આરોપીઓ વિરૂધ ફરીયાદ દાખલ થઈ છે. ઇજાગ્રસ્ત પોલીસ જવાને પણ ટોળા વિરૂદ્ધ ફરિયાદ આપેલ છે.સમગ્ર ગામમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવતા ગામ 4 દિવસથી પોલિસ છાવણીમાં ફેરવાયું છે.
બાસ્પા ગામે 10 માસ અગાઉ પણ એક ક્ષત્રિય રાજપૂત દરબાર યુવાનનું ખૂન થયુ હતુ.મળતી માહિતી મુજબ તેની અદાવતમાં સમાધાનની વાટાઘાટો ચાલી રહી હતી. દરમિયાન કનીજ ચોકડી પાસે બાઇક ચલાવવા મામલે યુવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી મારામારી સર્જાતાં બપોરના સુમારે બન્ને જૂથો સામસામે આવ્યા હતા.
નાડોદા (ખેર) રાજપૂત સોમાભાઈ ગોવાભાઈ માલાભાઈની ફરીયાદ મુજબ બપોરના સુમારે દરબાર રાજપૂત ટોળાઅે લાકડી, ધારિયા, તલવાર, બરસી, ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો દ્રારા હુમલો કરતાં ડાભી કરમણભાઇ ગોવાભાઈ નાડોદા અને ખેર સોમાભાઈ દેવાભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ દોડી અાવી ટીયરગેસના સેલ છોડીને અલગ કરાયા હતા. બંને ઇજાગ્રસ્તોને સમી રેફરલ હોસ્પિટલ લઇ જતાં કરમણભાઇ ગોવાભાઈ (45)ને તબીબે મૃત જાહેર કર્યા હતાં અને સોમાભાઈ ખેરને વધુ સારવાર અર્થે ધારપુર ખસેડ્યાં હતાં. મૃતકના ભાઈએ 11 ક્ષત્રિય રાજપૂત દરબારના શખ્સો અને અન્ય 10 સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.