બિત્કોઇન અને સોનાની સ્થિતિ ભાઈ બહેન જેવી

સોનું એ કોઈની જવાબદારી (લાયાબીલીટી) નથી કે નથી તેને પ્રિન્ટ કરાતું, ક્રીપ્ટોકરન્સીનું પણ આવું જ છે. બિત્કોઇનને કોઈ સેન્ટ્લ બેંક નથી, તેની સપ્લાય અલ્ગોરીધમ (ગુણકયંત્ર) દ્વારા નિયંત્રિત છે. પણ હવે બિત્કોઇન અને સોના વચ્ચે સહોદર (ભાઈ-બહેન)નો રીસ્તો સ્થપાયો છે. હવે તો બિત્કોઇનને ડીજીટલ ગોલ્ડ તરીકે સ્વીકૃતિ મળવા લાગી છે. આ બધા ઉપરાંત બિત્કોઇન અને સોનાને ટ્રેડ વોર અને વ્યાજદર કપાત નિમિત્તે સલામત હેજ (સંકટ મોચક) તરીકે પણ અપનાવી લેવામાં આવ્યા છે. પણ જો સુક્ષ્મ રીતે આ બધા આંકડા તપાસવામાં આવે તો તે એવો સવાલ પેદા કરે છે કે, જ્યારે કાગળીયા નાણા આર્થિક કટોકટીના હવનમાં હોમાઈ રહ્યા છે, ત્યારે રોકાણકારે જવું ક્યા?

આ મહીને અત્યાર સુધીમાં સોનાના ભાવ ૧૩૯૨ ડોલરથી ૭.૫ ટકા વધીને ૧૫૧૫ ડોલર જ્યારે બિત્કોઇન ૧૦૦૧૧ ડોલરથી ૧૪ ટકા વધીને ૧૧૩૯૬ ડોલર થયા છે. નબળા આર્થિક વાતાવરણના ઢોલ નગારા વાગવા લાગ્યા છે, ત્યારે આ બન્ને કોમોડીટી તમને કટોકટીના ચક્રવાતના તારણહાર જેવી લાગવા લાગી હશે. જગતભરની સેન્ટ્લ બેંકો આડેધડ કરન્સી નોટ પ્રિન્ટીંગ કરવા લાગી છે. ત્યારે આ બન્ને કોમોડીટી હવે ફુગાવા અને ખરીદ શક્તિ ઘટાડા સામે તારણહાર અને સરા વળતરના સ્થિર સ્ત્રોત જણાઈ રહ્યા છે. અલબત્ત, બિત્કોઇનએ છેલ્લા કેટલાંક વર્ષમાં મોટી અફડાતફડી દરમિયાન રોકાણકારોના ખિસ્સામાં કાણાં પણ પાડી દીધા છે, એ ન ભૂલવું જોઈએ.

પણ સોનાએ સાવ ઘાતક ખાટકીવેડા નથી કર્યા, તો તમારા પોર્ત્ફોલીયોને સ્થિરતાની ગેરંટી પણ નથી આપી. છેલ્લા એક દાયકામાં આર્થિક રાહત પેકેજો (ક્વાંટીટેટીવ ઇઝીંગ) અને નીચા તેમજ નકારાત્મક વ્યાજદરના અટકચાળાએ સર્જાયેલા ફુગાવાથી તંગ આવી ગયેલા રોકાણકારોનો આત્મવિશ્વાસ ડગાવી દીધો છે. ૨૦૧૮મા બિત્કોઇનએ ૬૬ ટકાનું મૂડી ધોવાણ સહન કર્યું હતું, તેના એક વર્ષ અગાઉ ૧૫૦૦ ટકાનો ઉછાળો આવ્યો હતો. ૨૦૧૯મા ભાવ ૩૯૬૩ના તળિયેથી ૩૦૦ ટકા જેટલા વધ્યા છે, તે ટકી રહેશે, તેની પણ કોઈ ગેરંટી નથી. ડીજીટલ કરન્સીની માંગ, રોકાણકારની લોભ અને ડરપોક વૃત્તિ પર નિર્ભર, આસમાની સુલતાની ઉછળકુદવાળી હોય છે.

૧ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ સોનાના ભાવ ૧૯૨૧ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોચ્યા હતા. ત્યાર પછી મોનીટરી ઇઝીંગનો પ્રથમ તબક્કો હજુ શરુ જ થયો હતો, ત્યાં તો સોનાની તેજીનાં ફુગ્ગામાંથી ટૂંકાગાળામાં હવા નીકળી ગઈ. આજે પણ સર્વોચ્ચ સપાટીથી ભાવ ૨૦ ટકા નીચે છે. સોનાની જેમ જ બિત્કોઇનનાં ભાવ છેલ્લા બે સપ્તાહમાં ૩૦ ટકા વધ્યા છે, તે પણ વૈકલ્પિક સંગ્રહ મુલ્ય (સ્ટોર ઓફ વેલ્યુ)ની માફક સોનાની જેમ જ વર્તન કરવા લાગ્યો છે. આ ઘટના એવા સંકેત આપે છે કે હવે પછી જાગતિક આર્થિક સમસ્યા વધશે, જે બજારમાં અનિશ્ચિતતા પેદા કરીને બિત્કોઇન અને સોના આસપાસ સેન્ટિમેન્ટ મોમેન્ટમ સ્થાપિત કરશે. સોનું હજુ સુધી વૈશ્વિક નીચા વ્યાજદરનું સપૂર્ણ અને વાસ્તવિક પ્રતિબિંબ નથી ઝીલતું. અલબત્ત, લોઠ્કા રોકાણકારો આવા અનિયમિત વાતાવરણનો બરાબરનો કસ વહેલા કાઢી લેતા હોય છે.

આખું જગત એકજ વહાણમાં સવાર થાય તે પહેલા અથવા બજારમાં નવા જોખમો સર્જાય તે પહેલા રોકાણકાર તરીકે તમારા પોર્ટફોલિયોમાં સોનું કે બિત્કોઇન ઉમેરવા વાજબી ગણાશે. પણ તમે એવું સમજવામાં પણ ભૂલ ન કરતા કે વર્તમાન બજાર પ્રવાહ તમારા નાણાની, સોનું અને ક્રીપ્ટોકરન્સી મજબુત સલામતી બક્ષે છે. આ બધું એક વિશ્વાસને આધારે થઇ રહ્યું છે, તે બિલકુલ સચ્ચાઈ છે, એવું પણ નહિ માનતા. ગત સપ્તાહે ચીને તેની કરન્સીને પ્રતિ ડોલર ૭ યુઆન સુધી નબળી પાડવા દઈને, અમેરિકા સામે કરન્સી વોરનો નવો પડકાર ઉભો કર્યો, તે સાથે જ તેજીના ડાકલા ધૂણવા લાગ્યા છે. પરિણામે એસએન્ડપી ૫૦૦ શેર ઇન્ડેક્સ બે મહિનાને તળિયે ગયો, સોનાએ ૨૦૧૯ની નવી ઊંચાઈ પ્રાપ્ત કરી અને બિત્કોઇન ગત સપ્તાહે ૧૨,૩૨૫ ડોલરની એક મહિનાની નવી ઊંચાઈ બનાવી.