બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા બંધ રખાવતાં કોંગ્રેસ આકરા વલણમાં

અમદાવાદ,તા:૧૬
બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર મુદ્દે કોંગ્રેસ દ્વારા શાસકો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે શાસક પક્ષ પર કરેલા આક્ષેપ મુજબ સરકારના આ તઘલખી નિર્ણયના કારણે ૧૦.૫૦ લાખ યુવક–યુવતીઓને શારીરિક–માનસિક અને આર્થિક ત્રાસ અપાયો છે.

ભાજપના અહંકારી શાસકોએ તઘલખી ફરમાન કરી પરીક્ષા બંધ રખાવી અને લાયકાત બદલવાની જાહેરાત સામે યુવાશક્તિએ શરૂ કરેલી લડતમાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા. ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી માટે કોંગ્રેસ પક્ષે સમર્થનમાં રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકામાં ઉગ્ર ધરણાં પ્રદર્શન કરીને ભાજપ સરકારની ભ્રષ્ટાચારી અને યુવાવિરોધી નીતિને ખુલ્લી પાડી જનઆંદોલન શરૂઆત કરી હતી. ગુજરાતના ૧૦.૫૦ લાખ યુવક–યુવતીઓને અસરકર્તા ભ્રષ્ટ ભાજપ સરકારના તઘલખી નિર્ણયને પરત ખેંચવાની ફરજ પડી, તેને યુવાશક્તિના વિજય જ ગણાવી શકાય તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ૧૦.૫૦ લાખ યુવક–યુવતીઓ બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા માટે દોઢ વર્ષથી તૈયારી કરી રહ્યાં છે, ત્યારે ભાજપ સરકારના પરીક્ષા રદ કરવાના તઘલખી નિર્ણયના કારણે લાખો પરિવાર રાતોરાત મુશ્કેલીમાં મુકાયા હતા. રાજ્યના લાખો યુવાનોના ભવિષ્ય માટે ચિંતા કરીને ભ્રષ્ટ ભાજપ સરકારના તઘલખી નિર્ણય સામે કોંગ્રેસ પક્ષે રાજ્યવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમ આપ્યા હતા. ભાજપના અહંકારી શાસકોએ પરીક્ષા બંધ રખાવી અને લાયકાત બદલવાની જાહેરાત સામે યુવાશક્તિએ શરૂ કરેલી લડતમાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા, તેથી સરકારને ઝૂકવું પડ્યું. કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં સરકારી નોકરી ભરતી પ્રક્રિયાનાં કૌભાંડો અને ભાજપ સરકારની યુવાવિરોધી નીતિ સામે લડત આપતો રહેશે.