બિનહિસાબી સોનું જાહેર કરવા માટે સરકાર માફી યોજના લાવે તેવી સંભાવના

અમદાવાદ,તા.01

સોનાનો બિનહિસાબી જથ્થાને કાયદેસર કરી આપવાની યોજનાની ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યોજનાને પ્રધાનમંત્રીના કાર્યાલયના અધિકારીઓ અને નાણાં મંત્રીના કાર્યાલયના અધિકારીઓ આખરી ઓપ આપી રહ્યા છે. દરેક વ્યક્તિદીઠ સોનાનો જથ્થો નિશ્ચિત હિસ્સો નક્કી કરવામાં આવશે. ત્યારબાદ તેનાથી વધારાના જથ્થાની જાહેરાત કરીને તેના મૂલ્યને આધારે તેના પર ટેક્સ ચૂકવવાની ફરજ પાડવામાં આવશે. એકવાર યોજનાની જાહેરાત કરવામાં આવ્યા પછી તેનો સમયગાળો પૂરો થઈ ગયા બાદ કોઈ વ્યક્તિ પાસેથી વધારાનો સોનાનો જથ્થો મળી આવશે તો તેના પર ઊંચી રકમનો દંડ લેવામાં આવે તેવી સંભાવના છે. વ્યક્તિ પાસે નિશ્ચિત કરેલી મર્યાદા કરતાં વધુ સોનું હોય તો તેના પર કેટલા ટકાના દરે ટેક્સ વસૂલવો તે પણ ટૂંક સમયમાં નક્કી કરી લેવામાં આવશે. 2014-16ના વર્ષ દરમિયાન જાહરે કરવામાં આવેલી માફી યોજના જેવી જ આ માફી યોજના હોવાની સંભાવના છે. સરકારે નક્કી કરેલા વેલ્યુઅર્સ જ સોનાનું મૂલ્ય નક્કી કરી આપશે. જૂના નિયમ મુજબ પરણિત મહિલાદીઠ 500 ગ્રામ સોનાની નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સોનું હશે તો તેના પર ટેક્સ લેવામાં આવશે. સોનાના આ દાગીના ન બતાવનારાઓ પાસે પણ દંડ વસૂલવામાં આવશે. જોકે આ મર્યાદામાં વધારો કે ઘટાડો કરવામાં આવશે તે અંગે હજી સુધી કોઈ નિશ્ચિત અંદાજ મળતો નથી.

સોનું અને સોનાના દાગીના લોકોની લાગણી અને ભાવના સાથે પણ જોડાયેલા છે. દેશમાં દર વર્ષે અંદાજે 900 ટન સોનાની આયાત થઈ રહી છે. આમ સોનાની આયાત પાછળ આપણે દર વર્ષે 2.50 લાખ કરોડ ડોલરનું વિદેશી હૂંડિયામણ એટલે કે અંદાજે 35 અબજ ડોલરનો ખર્ચ કરી રહ્યા છીએ. આ સોનું બહુધા તાળાં ચાવીમાં લોક થયેલું પડ્યું રહે છે. બેન્ક લોકરમાં પણ આ સોનું પડેલું રહે છે. આમ આ સોનાનો કોઈ પ્રોડક્ટિવ ઉપયોગ થતો હોવાનું જોવા મળતું નથી. તેથી ભારતના વિદેશી હૂંડિયામણનો પ્રોડક્ટિવ ઉપયોગ થતો હોવાનું જણાતું નથી. પરિણામે આ યોજના લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત સરકારના આર્થિક બાબતના વિભાગ અને મહેસૂલ ખાતાએ સાથે મળીને આ યોજના તૈયાર કરી છે. આ માટે એક બોર્ડની રચના પણ કરવામાં આવે તેવી સંભાવના છે. આ બોર્ડમાં સરકારી અધિકારીઓ અને ખાનગી ક્ષેત્રની વ્યક્તિને સ્થાન આપવામાં આવશે. આ યોજનાને વધુમાં વધુ આકર્ષક બનાવવાનું આયોજન કરવામાં આવશે. આ યોજના પાછળનો મૂળભૂત હેતુ ગોલ્ડના હોલ્ડિંગને એક ફાઈનાન્શિયલ એસેટ્સ તરીકે વિકસાવવાનો છે. ભારતના મંદિરો અને ટ્રસ્ટો પાસે હજારો ટન સોનાનો ભંડાર પડેલો છે. શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાનને ચરણે ધરવામાં આવેલા સોનામાંથી આ જથ્થો એકત્રિત થયેલો છે. છેલ્લા થોડા વર્ષમાં અસ્તિત્વમાં આવેલા લાલબાગચા રાજા પાસે પણ સોનાનો મોટો ભંડાર એકત્રિત થવા માંડ્યો છે. આ જ રીતે તિરુપતિ બાલાજી, પદ્મનાભ મંદિર અને મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે પણ મોટા પ્રમાણમાં સોનું હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. ગુજરાતમાં અંબાજીના મંદિર પાસે અને સોમનાથ મંદિર પાસે પણ સોનાનો મોટો જથ્થો હોવાની શક્યતા નકારી શકાતી નથી. કાયદાકીય જોગવાઈ હેઠળ આ સોનું બેન્કમાં જમા કરાવવા માટે આ મંદિરો અને ટ્રસ્ટો બંધાયેલા જ છે. પરંતુ તેઓ જમા કરાવતા નથી. આ સોનું અત્યારે પણ બિનઉત્પાદક હોવાનું જોવા મળી રહ્યું છે.

સોનાનો જથ્થો જાહેર કરવાની યોજનાની સાથે સાથે જ સરકાર સોવરિન ગોલ્ડ બોન્ડની યોજનાને નવા રંગરૂપ સાથે ફરીથી લોન્ચ કરે તેવી સંભાવના છે. આ યોજનાને નક્કર સ્વરૂપ આપવાની કામગીરીનો આરંભ ઓક્ટોબર મહિનાના પહેલા પખવાડિયાના અંતથી આરંભ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીને પરિણામે આ યોજના જાહેર કરવામાં વિલંબ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ વ્યક્તિગત ધોરણે એક વ્યક્તિને અને હિન્દુ અવિભાજિત પરિવારને ડિમેટના સ્વરૂપમાં ચાર કિલો સુધી સોનું જાહેર કરવાની ફરજ પાડવામાં આવે તેવી સંભાવના છે. ટ્રસ્ટોને 20 કિલો સોનું ખરીદવાની છૂટ આપવામાં આવેલી છે. આ યોજના હેઠળ સોનાના ડિપોઝિટ કરેલા જથ્થા ઉપર વાર્ષિક અઢી ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. પાકતી મુદતે તે સોનું બજાર મૂલ્ય પર એન્કેશ (રોકડું કરાવી) કરાવી શકાય તેમ છે. આ યોજનાની સાતમી શ્રેણીની આગામી ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. છઠ્ઠી શ્રેણીની મુદત 25મી ઓક્ટોબરે પૂરી થાય છે.