બિન અનામત નિગમમાં બનાવટી દસ્તાવેજોના આધારે લોનનો પ્રયાસ, 64 ફાઇલો એકઝાટકે રદ

મહેસાણા, તા.૨૯

જાણીને નવાઇ લાગશે કે, બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમમાં વેલ્યુઅર રિપોર્ટ સહિતના જરૂરી બનાવટી પ્રમાણપત્રો રજૂ કરી સ્વરોજગારલક્ષી લોન મેળવવાનો પ્રયાસ થયાનું બહાર આવ્યું છે. આવી શંકાસ્પદ 64 જેટલી ફાઇલો રદ કરી અધિકારીએ ગેરરીતિ સંબધે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરી કાર્યવાહી કરવા લેખિત કર્યુ છે.

મહેસાણામાં બહુમાળી ભવનમાં કાર્યરત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વર્ષ દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ 281 લોન મંજૂર કરાઇ છે. ત્યારે સ્વરોજગાર લક્ષી લોન મેળવવા માટે આવેલી ફાઇલો પૈકી કેટલીકમાં એક જ સરખી વેલ્યુએશન જોઇ અધિકારીઓને શંકા જતાં ગાંધીનગર અને અમદાવાદથી આવેલા અધિકારી ઓ સાથે અત્રેની કચેરીના અધિકારી વી.એસ. પટેલે તપાસ કરી હતી. જેમાં વેલ્યુએશન રિપોર્ટ, અનુભવનું પ્રમાણપત્ર  સહિતના દસ્તાવેજો બનાવટી હોવાનું ખુલ્યું હતું. રજૂ થયેલા દસ્તાવેજોના જીએસટી નંબર પણ ખોટા હોવાનું ખુલતાં 64 શંકાસ્પદ ફાઇલો રદ કરાઇ હતી.

આ અંગે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના વી.એસ. પટેલે જણાવ્યું કે, બનાવટી વેલ્યુએશન રિપોર્ટ અને પ્રમાણપત્રો આધારીત 64 ફાઇલો રદ કરાઇ છે અને વેલ્યુએશન રિપોર્ટમાં થયેલી ગેરરીતિ બાબતે ગાંધીનગર લેખિત રિપોર્ટ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા સૂચન કર્યું છે.અમદાવાદ સ્થિત નિગમની કચેરી દ્વારા તપાસ કરતાં ધ્યાને આવ્યું છે કે, 12 વ્યક્તિને વેલ્યુએશન રિપોર્ટ આપનારી સંસ્થાના લેટરપેડનો દુરુપયોગ કરી તેની ઝેરોક્ષ કોપી કરી અલગ અલગ જિલ્લાના વેલ્યુએશન રિપોર્ટ બનાવી કોઇ વ્યક્તિ દ્વારા અન્ય જિલ્લાઓમાં રજૂ કરાયેલા છે. નિગમમાંથી લોન પાસ કરાવવાના બહાને એજન્ટો મસમોટું કમિશન લઇ રહ્યા છે ત્યારે નિગમના વી.એસ.પટેલે કહ્યુ  કે, નિગમમાં ઓનલાઇન કાર્યવાહી કરી શકાય છે. એજન્ટોને મધ્યસ્થી બનાવી અરજદારો પોતાનું જ નુકસાન કરે છે. સરકાર દ્વારા કોઇ જ એજન્ટો નિમેલા નથી.