અમદાવાદ, તા.0૬
પ્રશાંત પંડીત
શહેરની હદમાં ૩૩ ગ્રામ પંચાયતો અને ૮ નગરપાલિકાના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યાના દસ વર્ષ બાદ કુલ મળીને દસ હજાર કોમર્શિયલ બિલ્ડીંગો એવા છે કે જેમાં પાર્કિંગનો સદંતર અભાવ જોવા મળે છે. પાર્કિંગના અભાવે આ બિલ્ડીંગોમાં આવતા મુલાકાતીઓ કે ખુદ વપરાશકારને રોડ પર કે રોડ પર આવેલી ફૂટપાથ ઉપર પાર્કિંગ કરવાની ફરજ પડે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શહેર પોલીસ દ્વારા પાર્કિંગના નામે છેલ્લા કેટલાક દિવસોથી ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. પણ નરી આંખે દેખાતી પાર્કિંગની વિકરાળ સમસ્યાના મૂળમાં રહેલા બિલ્ડરો કે તંત્રમાં બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે આ મામલે કડક કાર્યવાહી કરવાની ઈચ્છા રૂપાણી સરકારના એકપણ મંત્રીએ ત્રણ વર્ષની અંદર વ્યકત કરી નથી.
શહેરમાં દર વર્ષે અમપાના ટેક્સ વિભાગ તરફથી શહેરના કયા ઝોનમાં નવી કેટલી મિલ્કતોનો ઉમેરો થયો એની નોંધ કરવામાં આવતી હોય છે. વર્ષ-૨૦૧૮-૧૯ના માર્ચ સુધીમાં અમપાના ટેક્સ વિભાગના ચોપડા ઉપર કુલ મળીને ૩.૭૫ લાખ જેટલી કોમર્શિયલ મિલ્કતો નોંધાઈ છે. આ મિલ્કતોમાં દુકાનો, શાળાઓ, હોટલો, રેસ્ટોરાં સહિત ઓફિસોનો પણ સમાવેશ થઈ જાય છે. અમપાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, શહેરમાં અંદાજે દસ હજાર કોમર્શિયલ બિલ્ડીંગો એવા છે કે જેમાં પાર્કિંગનો સદંતર અભાવ છે. જેને લઈને આ બિલ્ડીંગોમાં પોતાના યુનિટો ધરાવનારા કે બહારથી આવનારાઓને ફરજિયાત જાહેર રોડ પર કે ફૂટપાથ ઉપર તેમના વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે. બીજી તરફ પોલીસ તેમના વાહનો ઝૂંબેશના નામે ટોઈંગ કરીને લઈ જાય છે. આ પરિસ્થિતિમાં તેમને જવું તો કયાં જવું એ સ્થિતિનું નિર્માણ થયું છે.
હરેન પંડ્યા મેદાનમાં આવ્યા હતા
વર્ષ-૨૦૦૨માં શહેરના સીજી રોડ પર પાર્કિંગના નામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. એ સમયે હાઈકોર્ટના આદેશ મુજબ, અમપા દ્વારા પાર્કિંગ ન ધરાવનારા બિલ્ડીંગોમાં તોડફોડની શરૂઆત કરાઈ હતી. ખુબ ઉહાપોહ થતા અને સીજી રોડ બંધનું એલાન આપવામાં આવ્યા બાદ એ સમયના ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાને પોતાને મેદાનમાં આવવાની ફરજ પડી હતી. આ ઝૂંબેશ બાદમાં પડતી મુકવામાં આવી હતી.
જીડીસીઆરના નિયમ મુજબ પાર્કિંગ ફરજિયાત
બાંધકામ માટે બનાવવામાં આવેલા ગુજરાત સરકારના જીડીસીઆરનો અમલ રાજયવ્યાપી કરાઈ રહ્યો છે. અમપાના એક એસ્ટેટ અધિકારીના કહેવા પ્રમાણે, નિયમ મુજબ શહેરમાં કોઈપણ નવું બાંધકામ થાય અને તે રહેણાંક કે કોમર્શિયલ હોય તો પાર્કિંગની વ્યવસ્થા હોવી જરૂરી છે. સવાલ એ છે કે, શહેરમાં દસ હજાર બિલ્ડીંગો પાર્કિંગની સુવિધા ધરાવતા નથી તો આ ગંભીર બેદરકારી માટે મ્યુનિસિપલ કમિશનરો જે અત્યાર સુધી આવ્યા તેમણે જવાબદારો સામે કેમ કોઈ કાર્યવાહી ન કરી.
શહેરમાં રસ્તા–ફૂટપાથનું ચિત્ર
શહેર કુલ ક્ષેત્રફળ- ૪૭૭ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે
શહેરમાં કુલ ૨૪૧૫.૪૦ કિલોમીટરના આસ્ફાલ્ટના રસ્તાઓ છે
શહેરમાં કુલ ૬.૦૫ કિલોમીટરના પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવવામાં આવેલા રસ્તા
શહેરમાં કુલ ૧૦૧.૩૧ કિલોમીટરના કાચા રસ્તાઓ છે
શહેરમાં કુલ ૬૦૦ કિલોમીટરના રસ્તાઓ ઉપર ફૂટપાથ આવેલી છે
૬૦ કે ૮૦ ફૂટના રસ્તાઓ ઉપર બે મીટર પહોળી અને ૪૦ ફૂટના રસ્તાઓ ઉપર ૧.૫ મીટરની પહોળાઈની ફૂટપાથ આવેલી છે