સરખેજ વિસ્તારમાં રહેતા બિલ્ડીંગ કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં પોલીસે 20 લોકો સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. આર્થિક સંકટમાં ફસાયેલા મનિષભાઈ પાટડીયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના પત્નીએ એક લેટર અને 16 જીબીની પેન ડ્રાઈવ રજૂ કરતા સરખેજ પોલીસે તેમની ફરિયાદ નોંધી છે.
સરખેજ જીવનદીપ હોસ્પિટલ પાસે સંતોષીનગર ખાતે રહેતા ધર્મિષ્ઠાબહેન મનિષભાઈ પાટડીયાએ ફરિયાદ આપી છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર ગત 28 જૂનના રોજ મનિષભાઈ ઝેરી દવા પીને સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા. પોલીસ સ્ટેશન ખાતેથી 108માં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતકની એક પેન ડ્રાઈવ અને લેટર સરખેજ પોલીસ સમક્ષ રજૂ કરાતા બાવીસ લોકો સામે આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. શક્તિ કાર્ટીંગના નામે બિલ્ડીંગ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા મનિષ પાટડીયાએ ચાણક્યપુરી દેવસિટી બંગ્લોઝમાં રહેતા ભાનુ તુલસીભાઈ પટેલના બે ગોડાઉન બાંધી આપ્યા હતા. ત્યારબાદ ભાનુ પટેલે ઝાયડસ હોસ્પિટલ સામે કાર એક્સપોના ભાવિન રજનીભાઈ શાહ સહિત પાંચેક મિત્રોને ભાગીદારીમાં સાત ગોડાઉન બાંધવાનું કામ આપ્યું હતું. જે કામ છ મહિના બદલે બે મહિનામાં કરી આપવાનું કહેતા મનિષભાઈએ મજૂરો પાસે ઓવરટાઈમ કરાવી મોટાભાગનું કામ કરી આપ્યું હતું, પરંતુ નક્કી કરેલી વધારાની રકમ આપવાની ના પાડી દેતા કોન્ટ્રાકટર આર્થિક ભીડમાં આવી ગયા હતા. જેનો ગેરલાભ અન્ય લોકોએ પણ લીધો હતો.