બિસ્કિટ અને આંતરવસ્ત્રો જેવા ઉદ્યોગો પણ ચિંથરેહાલ બનતા મંદીના એંધાણ

અમદાવાદ,તા.23

નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ બાદ દેશમાં આર્થિક વિકાસની ગતિ બમણી રહેશે તેવા આર્થિક જગત સ્વપ્ન જોઇ રહ્યું હતું. પરંતુ આ સ્વપ્ન દુઃસ્વપ્ન બની રહ્યું હોવાનો અહેસાસ આર્થિક જગતને થઇ રહ્યો છે. ફક્ત મોદી વિરોધીઓ જ નહીં પરંતુ મોદીના અનેક વખત વખાણી ચૂકેલા ઉદ્યોગપતિઓ પણ હવે આર્થિક મંદીના દેશના બારણે ટકોરા પડી રહ્યા હોવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. અત્યાર સુધી ઓટો સેક્ટર તો ટોપ ગિઅરમાં રહ્યું હતું. પરંતુ હવે તો આટો સેક્ટર પણ તળિયે પહોંચી ગયું છે. ઓટો સેક્ટરના માંધાતાઓએ પણ હવે માની લીધું છે કે દેશનો આર્થિક વિકાસ ધીમેધીમે ડામાડોળ થઇ રહ્યો છે. આ વાત અન્ય કોઇએ નહીં પરંતુ દેશના ટોચના બિઝનેશમેન રાહુલ બજાજે કરી છે. તેમણે પોતાના શેરહોલ્ડરને સંબોધતા દેશની આર્થિક જગતની દારૂણ સ્થિતિ વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે ઓટો સેક્ટરે આજે પોતાનું ઉત્પાદન ઘટાડી દીધું છે જેની સીધી અસર માર્કેટ ઉપર થઇ છે. ઉત્પાદન ઘટાડતાં જ બેરોજગારીમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

રાહુલ બજાજ સરકારથી નારાજ

ઓટો સેક્ટરના દિગ્ગજ રાહુલ બજાજ પણ સરકારની આર્થિક નીતિઓથી ખુશ નથી. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે દેશનો વિકાસ થંભી ગયો જ નથી પરંતુ ઘટી ગયો છે. આઇએમએફના આંકડા અનુસાર છેલ્લા બે વર્ષમાં વિકાસ પર બ્રેક વાગી ગઇ છે. તેમણે કહ્યું હતું કે હાલમાં જ સરકારે ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાની બજેટમાં જાહેરાત કરી છે. તો શું જનતા આવા વાહનોનો સ્વિકાર કરશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. અને જો સરકાર ઇ વાહનોને પ્રોજેક્ટ કરશે તો શું અમે અમારી દુકાનો બંધ કરીને ઘરમાં બેસી જઇશું? કહેવાનું તાત્પર્યએ છે કે હવે મોદી સરકારની આર્થિક નીતિઓ સામે ખુદ ઉદ્યોગકારો પણ સવાલ ઉઠાવી રહ્યાં છે.

આંતરવસ્ત્રોનો ઉદ્યોગ પણ ચિંથરેહાલ

આર્થિક જગતમાંથી જે પણ અહેવાલ આવી રહ્યા છે તે સતત ચિંતા જગાવનારા છે. અત્યાર સુધી ઓટો સેક્ટર, કાપડ ઉદ્યોગ અને હિરા ઉદ્યોગની દયનીય સ્થિતિનો ચિતાર મળી ગયો છે. પરંતુ હવે તો અન્ડરગારમેન્ટસ એટલ કે આંતરવસ્ત્ર ઉદ્યોગ પણ ચિંથરેહાલ હાલતમાં હોવાના અણસાર મળી રહ્યા છે. આંતરવસ્ત્ર એટેલે રોજીંદી જરૂરીયાત છે. હવે લોકો દૈનિક અનિવાર્ય આશ્યકતાઓને પણ કોરાણે મૂકીને તેની ખરીદી ઉપર પણ કાપ મૂકી રહી છે. જેને કારણએ આંતરવસ્ત્ર ઉદ્યોગ સાથે સંકાળાયેલી ચાર મોટી કંપનીનોના વર્ષ 2019ના પ્રથમ અને દ્વિતિય ત્રિમાસિક પરિણામો નબળા આવતા આ ઉદ્યોગ પણ મંદીનો માર સહન કરી રહ્યો છે. જેની સીધી અસર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને કામદારો ઉપર પડી રહી છે.

બિસ્કિટ ઉદ્યોગ બંધ હાલતમાં

રોજેરોજ ખવાતાં બિસ્કિટ ખરીદવામાં પણ હવે લોકો ચાર વાર વિચાર કરી રહ્યા છે તેવું બિસ્કિટ ઉત્પાદકો જ કહી રહ્યા છે. હાલમાં જ બ્રિટાનિયા બિસ્કિટના મુખ્ય સંચાલક પણ દાવો કરી રહ્યા છે કે પાંચ રૂપિયાના બિસ્કિટના પેકેટ ખરીદતા પહેલાં પણ લોકોની ચિંતા વધી રહી છે. બીજી તરફ દેશના ઇતિહાસ સમા પારલે બિસ્કિટ કંપની પણ હવે દસ હજાર કર્મચારીઓની છટણી કરી રહી છે. જે દેશની આર્થિક સ્થિતિ માટે આઘાતજનક છે અને મોદી સરકાર માટે આંચકા સમાન છે.રોજીંદી જરૂરિયાત વાળી ચીજવસ્તુઓ જેવી કે સાબુ, બિસ્કિટ, આંતરવસ્ત્રો અને ડબલ રોટીની માગ પણ ચિંતાજનક રીતે ઘટી રહી છે જે દેશની આર્થિક સ્થિતિની દરિદ્રતાની સાક્ષી પુરી રહી છે. ગ્રાહકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે અને માગમાં સતત ઘટાડો થતો રહ્યો છે જે ભારત દેશની આર્થિક મંદીના સંકેત આપે છે.