બીઆરટીએસ એટલે બ્રેક રહિત ટ્રાન્સપોર્ટ સર્વિસ

કે. ન્યૂઝ, અમદાવાદ,તા.21

ગઈકાલે સુરત, આજે અમદાવાદ અને ફરીથી સુરત એમ માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં સરકારી સિટી બસ અને બીઆરટીએસ દ્વારા બન્ને શહેરોમાં અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ રાખી છે. અકસ્માત બાદ બન્ને શહેરોમાં એકબીજા પર દોષારોપણની ક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, મોટાભાગના લોકો એવું માને છે કે, સિટી બસ અને બીઆરટીએસ દ્વારા બેફામપણે બસ ચલાવવામાં આવે છે અને તેના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તો બન્ને શહેરના સત્તાધીશો આ મામલે તપાસ કરીને યોગ્ય પગલાં લેવાના માત્ર ઠાલાં આશ્વાસનો આપી રહ્યા છે. સુરત અને અમદાવાદમાં બસો દ્વારા થઈ રહેલા અકસ્માતો માટે એવું કહીએ કે બીઆરટીએસ એટલે બ્રેક રહિત ટ્રાન્સપોર્ટ સર્વિસ તો અતિશયોક્તિ નહિ કહેવાય.

સરકારી બસોને લાગુ નથી પડતાં ટ્રાફિકના નિયમો?

રાજ્યમાં વાહનવ્યવહારના નવા નિયમોનો કડકપણે અમલ કરવામાં આવી રહ્યો છે. અને ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય વાહનચાલકો પાસેથી જો કોઈ નિયમનો ભંગ હોય તો તેના માટે સ્થળ પર જ મોટો દંડ વસૂલવામાં આવે છે. પરંતુ સરકાર હસ્તકની સિટી બસ, એસટી બસ કે બીઆરટીએસના ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે તેમ છતાં ટ્રાફિક પોલીસ અને અધિકારીઓ તેમ જ સરકાર કે સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. રાજ્યમાં જે અકસ્માતોની હારમાળા સર્જાય છે તેમાં વાહનચાલકની ભૂલ પણ જવાબદાર હોય છે, પરંતુ શહેરોમાં એસટી બસ, સિટી બસ કે બીઆરટીએસ દ્વારા જે અકસ્માતો સર્જાય છે તેના માટે સરકારી વાહનના ચાલકો જ જવાબદાર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સરકારી બસોના ચાલકો બેદરકારીથી બસ હંકારતા હોય છે, દારૂ પીને બસ ચલાવતા હોય છે, ચાલુ બસે ફોન પર વાત કરતાં હોય છે. આ સંજોગોમાં ટ્રાફિક પોલીસ દ્વારા તેમની સામે કોઈ પગલાં ભરવામાં નથી આવતાં અને સામાન્ય વાહનચાલક જો આ પૈકીના કોઈ નિયમનો ભંગ કરે તો મસમોટો દંડ સ્થળ પર વસૂલીને ટ્રાફિક પોલીસ પોતાને શૂરા માને છે. અમદાવાદમાં ચાલતી બીઆરટીએસ બસો તો જાણે મોતનો પરવાનો લઈને નીકળતી હોય એવું લાગી રહ્યું છે.

પાંચ વર્ષમાં બીઆરટીએસે 21 લોકોને કચડ્યાં

છેલ્લાં પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2014થી અત્યારસુધીમાં બીઆરટીએસ દ્વારા થયેલા અકસ્માતોમાં 21 નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

વર્ષ             સામાન્ય અકસ્માત               મોત

2014            59                         10

2015            52                          3
2016            28                          5

2017            24                          3

2018            200                        2

2019            100                        2

ઉપરોક્ત આંકડા જોતાં સ્પષ્ટ થાય છે કે, વર્ષ 2014 પછી બીઆરટીએસ દ્વારા થયેલા અકસ્માતોનું પ્રમાણ દિવસે દિવસે વઘી રહ્યું છે. જેમાં આ અકસ્માતોનો આંકડો તો વર્ષ 2018માં 200 પર પહોંચી ગયો હતો.

સરકાર અને મહાનગરપાલિકાનું સૂચક મૌન

બીઆરટીએસ દ્વારા થઈ રહેલા સતત અકસ્માતના મામલે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા સૂચક મૌન ધારણ કરી લેવામાં આવે છે. આટલું ઓછું હોય એમ સરકાર અને અમપા બન્નેના સત્તાધીશો તપાસ કરીને યોગ્ય પગલાં ભરવાના માત્રને માત્ર ઠાલાં વચનો આપે છે. પરંતુ અકસ્માતમાં મૃત્યુ પામતાં નિર્દોષ નાગરિકો પ્રત્યે ક્યારેય સંવેદનશીલ બનતા નથી. આટલું ઓછું હોય એમ ટ્રાફિક પોલીસ પણ સામાન્ય વાહનચાલકો પર જ પોતાનો રોફ જમાવીને તેમની પાસેથી ટ્રાફિકના નિયમના ભંગ બદલ દંડ વસૂલે છે. પરંતુ એસટી, સિટી અને બીઆરટીએસની બસના ચાલકો દ્વારા કરાતાં ટ્રાફિક નિયમના ભંગ સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. ત્યારે આગામી દિવસોમાં પ્રજા આ કાળમુખી બસો સામે ઉગ્ર આંદોલન કરે તો નવાઈ નહિ.