બીજા રાજ્યોમાં ભાજપના નેતાઓ પ્રચાર માટે જવા તૈયાર નથી

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણા એ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. હાલમાં ઉમેદવારો નક્કીક રવાનું તેમજ પ્રચારનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ગુજરાતનાં ભાજપ-સરકારનાં કેટલાક મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ-હોદ્દેદારો તથા સીનિયર આગેવાનોને જે-તે રાજ્યોમાં જવાનું ફરમાન કરાયુ છે. પરંતુ આમાંથી ઘણા નેતાઓ અન્ય રાજ્યોની ચૂંટણી પ્રચાર કરવા કે અન્ય કોઇ મદદ માટે ત્યાં જવા રાજી નથી.

સામાન્ય રીતે કોઇપણ રાજ્યોની ચૂંટણી યોજાય ત્યારે અન્ય રાજ્યોમાંથી વિવિધ પક્ષના જુદા જુદા નેતાઓ પ્રચાર માટે આવતા હોય છે. દેશના પાંચ રાજ્યોમાં યોજાઇ રહેલી ચૂંટણીમાં મદદ કરવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસનાં નેતાઓ ફટોફટ રવાના થઇ રહ્યા છે.

સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ, ભાજપના અગ્રણીઓ-નેતાઓ અન્ય રાજ્યોમાં જવા માટે રાજી નથી. કેટલાકે તો હાઇકમાન્ડ સમક્ષ સામાજીક જવાબદારી કે બીમારીનાં બહાના આગળ ધરીને અન્ય રાજ્યોમાં જઇ શકશે નહીં તેવું સ્પષ્ટ કહી દીધું છે. અન્ય રાજ્યોમાં નહી જવા પાછળના કારણોમાં મુખ્ય કારણ અસંતોષ છે.

ભાજપમાં ઘણા વર્ષોથી સેવા આપતા સિનિયર કાર્યકરો-આગેવાનોની અવગણના થઇ રહી છે. તેઓને સરકાર કે સંગઠનમાં કે અન્ય કયાંય હોદ્દા અપાયા નથી. ઉપરાંત સરકારમાં તેઓના નાના-મોટા કામો પણ થતા નથી. પોતાના નોકરી-ધંધા છોડીને પક્ષ માટે કામ કરનારા આવા સંનિષ્ઠ કાર્યકરો-નેતાઓ હવે વધુ ભોગ આપવાના મૂડમાં નથી. આથી જ તેઓ અન્ય રાજ્યોમાં નહીં જવા અંગે જાતજાતની યુક્તિઓ કરી રહ્યાં છે.