બીટકોઈન કેસમાં સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર સામે રૂ.પાંચ કરોડ ની ખંડણી ની ફરિયાદ

અમદાવાદ,તા.8. ગુજરાતના બહુચર્ચિત સુરત બિટકોઈન કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા અગાઉ ગાંધીનગરમાં સીબીઆઈમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ નાયર સામે રૂપિયા 5 કરોડની ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુનિલ નાયરે બિટકોઇન કેસમાં શૈલેષ ભટ્ટને સીબીઆઈ ઓફિસમાં બોલાવીને ધમકી આપી હતી કે, તમે કરોડો રૂપિયાના કાળા નાણાંનું બિટકોઇનમાં રોકાણ કર્યું છે, જેથી હવે ઇડી અને ઇન્કમટેક્સ પણ આ કેસની તપાસ કરશે. આ મામલે નાયરે કૌભાંડમાંથી બચાવવા 10 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી, જો કે છેવટે 5 કરોડ રૂપિયામાં સોદો નક્કી કરાઇ હતી.

આ અંગે શૈલેષ ભટ્ટે લાંચના 4 કરોડ રૂપિયા ગાંધીનગર ઈન્ફોસિટીમાં આવેલા મેસર્સ ઉમેશચંદ્ર એન્ડ સન્સ નામની આંગડિયા પેઢીમાં મોકલી આપ્યાં હતા. આ રકમને કિરીટ પાલડિયાએ છોડાવીને સીબીઆઈના ઇન્સ્પેક્ટર સુનિલ નાયર સુધી પહોંચાડી હતી. બાદમાં બાકીની રકમ આપવામાં આવી હતી. આ કેસમાં શૈલેષ ભટ્ટના મિત્ર કિરીટ પાલડિયાએ આ ષડયંત્ર કર્યું હતુ અને તેણે સુનિલ નાયર સાથે મળીને શૈલેષ ભટ્ટ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી વસૂલી હતી.

આ કેસમાં ગુજરાત સીઆઇડી ક્રાઇમે આપેલા પુરાવાને આધારે સુનિલ નાયરની શિલોંગ બદલી કરી દેવાઇ હતી, કેસની તપાસ ચાલુ હતી. હવે પુરાવાઓને આધારે દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચે નાયર અને કીરીટ પાલડિયા સામે 5 કરોડ રૂપિયાની ખંડણીનો ગુનો દાખલ કર્યો છે.