બી.એડ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવી 

રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સરકારી બી.એડ કોલેજો કે જેને ડાયેટ કહેવામાં આવે છે તેને હાલ ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવી છે. સરકારી કોલેજના કર્મચારીઓ આ મુદ્દે વિરોધ કરવા પ્રયાસ કર્યો હોવાછતાં સરકારે તમામ ડાયેટ કોલેજોને ગાંધીનગરની ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર બી.એડ કોલેજોને પણ ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવશે.

આ પ્રક્રિયામા સામાન્ય વિરોધ થયો હતો. હાલમાં તમામ સરકારી કોલેજોને જોડી દેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ બી.એડ કોલેજોને પણ જોડવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. સરકાર સામાન્ય પ્રક્રિયાની જેમ આ કાર્યવાહી પૂર્ણ કરવા માંગે છે પરંતુ તેની પાછળનો ઉદ્દેશ્ય ગુજરાત યુનિવર્સિટીમાંથી કોંગ્રેસ પ્રેરિત સભ્યોનુ વર્ચસ્વ ખતમ કરવાનો છે.

રાજ્યમાં કુલ 20 સરકારી બી.એડ. કોલેજો હાલમાં જુદી જુદી 9 યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત એક સરકાર એમ.એડ કોલેજ પોરબંદરમાં આવેલી છે. સરકાર દ્વારા પણ આ પ્રકારના જોડાણને પ્રાથમિક મંજુરી આપી દેવામાં આવી છે.

દશ વર્ષ પછી કેમ ?

રાજયમાં ટીચર્સ યુનિવર્સિટીની સ્થાપના એક દાયકા પહેલા કરવામાં આવી હતી. બે કુલપતિઓ પાંચ-પાંચ વર્ષની ટર્મ પુરી કરીને નિવૃત્ત થઇ ચુક્યા છે. પરંતુ હવે સરકારને વાસ્વિક્તાની જાણ થઇ કે કેમ્પસ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત કરેલી ટીચર્સ યુનિવર્સિટીની સાથે રાજયની તમામ બી.એડ કોલેજો જોડી દેવામાં આવે તો બી.એડ કોલેજો માટે અલગ યુનિવર્સિટી સાકાર થઈ શકે તેમ છે.

વિરોધ કોણ કરશે ?

આ વાતની જાણ કોંગ્રેસના કેટલાક સભ્યોને થતાં આગામી દિવસોમાં સ્વનિર્ભર બી.એડ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડવાના નિર્ણયનો સૌથી પહેલો વિરોધ પણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ઉભો થશે તે નક્કી છે.

ભૂતકાળમાં પણ આ પ્રકારે સરકારી બી.એડ. કોલેજ એટલે કે ડાયેટને આ યુનિવર્સિટી સાથે જોડી દેવા વિચાર કરાયો હતો પણ  આ યુનિવર્સિટી માત્ર કેમ્પસ યુનિવર્સિટી તરીકે સ્થાપિત હોવાના કારણે આ પ્રકારની કોઇ કાર્યવાહી થઇ શકી નહોતી. હવે અચાનક યુનિવર્સિટીના કુલપતિ બદલાતાની સાથે જ સરકારે તમામ ડાયેટ સંસ્થાઓને આ યુનિવર્સિટી સાથે જોડી દેવા માટે લીલી ઝંડી આપી દીધી હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ડો.હર્ષદ પટેલનો સંપર્ક કરતાં તેઓ કહે છે કે, ‘નિયમ પ્રમાણે તમામ કાર્યવાહી કરવામાં આવશે. સ્વનિર્ભર બી.એડ. કોલેજોને યુનિવર્સિટી સાથે જોડાવાની કોઇ શકયતા નથી.’