અમદાવાદ, તા.15
અમદાવાદમાં માત્ર ૧૨ દિવસમાં ડેન્ગ્યુ ના ૪૦૦ જેટલા કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થઈ ગયું છે. તો બીજીબાજુ સરકારી બી જે મેડીકલ કોલેજમાં મચ્છરનાશક કામગીરી માટે જરૂરી દવાઓ અને ફોગીંગ મશીન જ ઉપલબ્ધ નથી.
શહેરમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, મેલેરિયા, ઝાડા ઉલટી અને કમળા ના કેસો સતત નોંધાઇ રહ્યા છે. જેને પગલે મ્યુનિ કોર્પોરેશન દ્વારા સરકારી અને ખાનગી એકમોને દંડ ફટકારવા આવ્યો છે. મચ્છરનાશક કામગીરીમાં બેદરકારી બદલ કોર્પોરેશન દ્વારા નોટિસ અને દંડનીય કાર્યવાહીમાં સરકારી ઇમારતોમાં હોસ્પિટલો અને શૈક્ષણિક સંકુલોનો પણ સામેલ છે.
ઉલ્લેખનીય છેકે વર્ષ ૨૦૧૪ માં ડેન્ગ્યુના કારણે રેસિડેન્ટ ડોકટરો નું મૃત્યુ થતા હાઇકોર્ટમાં પી આઈ એલ થઈ હતી. આમ છતાં પણ બી જે મેડીકલ કોલેજ જેવી રાજ્યની સૌથી મોટી કોલેજમાં પણ યોગ્ય સાધનોનો અભાવ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યની સૌથી મોટી બી જે મેડીકલ કોલેજમાં થોડા દિવસો અગાઉ રેસિડેન્ટ ડોકટર્સે જુદી જુદી હોસ્ટેલમાં મચ્છરોના ઉપદ્રવ અને ડીન ને લેખિત માં ફરીયાદ કરી હતી. જેને પગલે બી જે મેડીકલના ડીન ડો પ્રણય શાહે કોલેજના સેનેટરી વિભાગને મચ્છરનાશક કામગીરી તાત્કાલિક કરવા આદેશ કર્યા હતા. જોકે, સેનેટરી વિભાગના સૂત્રો જણાવે છે બી જે મેડિકલ કોલેજમાં પોરાનાશક અને મચ્છરનાશક કામગીરી માટે આવશ્યક એવી જંતુનાશક દવાઓ અને ફોગીંગ મશીન નથી
ફોગીંગ મશીન અંગે ગાંધીનગરથી જવાબ નહી
બી જે મેડિકલ કોલેજના સતાવાળાઓએ ફોગીંગ મશીન લેવા માટે મંજૂરીની દરખાસ્ત સરકાર માં મૂકી છે. પરંતુ ગાંધીનગરથી આ અંગે હજુ સુંધી કોઈ જવાબ જ નહીં મળ્યો હોવાનું કોલેજના એક વહીવટી વિભાગના અધિકારી જણાવે છે. જેથી આ માટે સિવિલ હોસ્પિટલમાંથી લાવવું પડે છે. પરંતુ ઘણીવાર સિવિલતંત્ર દ્વારા મચ્છરનાશક કામગીરીમાં સાધનો ઉપયોગમાં હોવાથી મેળવી શકાતા નથી. આમ મચ્છરો ના ઉપદ્રવને અટકાવવા ની કામગીરી યોગ્યરીતે અને સમયસર થઈ શકતી નથી.