અમદાવાદથી ગુવાહાટી જતી ફલાઈટમાં જઈ રહેલા એક યુવક પાસેથી કટર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આસામનો રહેવાસી મીજાનુર સીદ્દીકઅલી રોહમાને તેના બુટમાં વળી શકે તેવું કટર છુપાવેલું હતું. સીઆઈએસએફના સબ ઈન્સ્પેકટરે આરોપીને એરપોર્ટ પોલીસને હવાલે કરતા તેની સામે એરક્રાફટ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલો આરોપી મીજાનુર કયા ઈરાદે પ્લેનમાં ધારદાર કટર છુપાવીને લઈ જઈ રહ્યો હતો તે અંગેની માહિતી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
બુટમાં છુપાવી કટર લઈ જઈ રહેલો મીજાનુર પ્લેન હાઈજેક કરવાનો ઈરાદો ધરાવતો હોવાની સંભાવનાને નકારી શકાય તેમ નથી તેવું ડીસીપી નિરજ બડગુજરે જણાવ્યું છે. સુરત ટેક્સટાઈલ યુનિટમાં કામ કરતો મીજાનુર પ્રથમ વખત ફલાઈટમાં જઈ રહ્યો હોવાનું તેમજ બુટમાં છુપાવેલું કટર ક્યાંથી આવ્યું તે વિશે પોતાને ખબર નહીં હોવાનું રટણ કરી રહ્યો છે. ગુવાહાટી જવા માટે તેણે કરિયાણાની દુકાન પરથી ફલાઈટની ટિકીટ બુક કરાવી હોવાનું પોલીસને જણાવ્યું છે.
ડોમેસ્ટીક એરપોર્ટ પર ફરજ બજાવતા સીઆઈએસએફના સબ ઈન્સ્પેકટર ઉત્તમકુમાર શંભુનાથ ગોસ્વામીએ મીજાનુર સીદ્દીકઅલી રોહમાન (રહે. પીપુલ બરી પાર્ટ-1 માનકાચર, જિ. ધુબરી, આસામ) વિરૂધ્ધ એરપોર્ટ પોલીસને ફરિયાદ આપી છે. ઉત્તમકુમારે જણાવ્યું છે કે, ગઈકાલે બુધવારે બપોરે અમદાવાદથી ગુવાહાટી જઈ રહેલી ફલાઈટના પેસેન્જરોની તલાશી લેવાઈ રહી હતી ત્યારે ફીસ્કીંગ દરમિયાન મેટલ ડીટેકટર (એચએચએમડી) જમણા બુટ પાસે લઈ જવાતા બીપ બીપનો અવાજ આવવા લાગ્યો હતો. જેથી શંકાસ્પદ પેસેન્જરના બંને બુટ કઢાવી લઈ એક્સબીઆઈએસ મશીનમાં સ્ક્રીનીંગ કરાવતા જમણા બુટમાં વાળી શકાય તેવી છરી (કટર)ની ઈમેજ જોવા મળી હતી. જેથી બંને બુટ કસ્ટડીમાં લઈને તેમાં રહેલી છરીને બહાર કાઢી હતી. આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કર્યા બાદ એરપોર્ટ પોલીસને આરોપી તેમજ છરી સોંપી દેવામાં આવી હતી.
વિવિધ એજન્સીઓએ આરોપીની પૂછપરછ કરી
શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા આસામના મીજાનુર રોહમાનની સેન્ટ્રલ આઈ.બી. સહિતની એજન્સીઓએ પૂછપરછ કરી જાણકારી મેળવવા પ્રયાસ કર્યો છે. મીજાનુરનો ઈતિહાસ જાણવા તેમજ આરોપીની વાતોની ખરાઈ માટે પોલીસે આસામ પોલીસનો સંપર્ક કર્યો છે. સાથે સાથે મીજાનુર સુરતમાં ક્યાં નોકરી કેટલા સમયથી નોકરી કરતો હતો અને કોના સંપર્કમાં હતો તેની વિગતો મેળવવામાં આવી રહી છે.