બુરખો પહેરી મતદાન કરતાં ભાજપનો વિરોધ

વડગામ તાલુકાના માહી ગામે મતદાન સમયે પ્રિસાઈડિંગ ઓફિસર અને મતદારો વચ્ચે ચકમક થતાં તંત્ર સહિત પોલીસ કાફલો મતદાન મથકે પહોંચી મામલો થાળે પાડ્‌યો હતો. ચકમક થતાં થોડાક સમય માટે મતદાન અટક્યું હોવાનું જાણવા મળે છે. જોકે પુનઃ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ કરાયું હતું
પ્રાપ્ત માહિતી મુજબ માહી ગામે લોકસભાની ચૂંટણીને લઈ વહેલી સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે એક સમુદાયની મહિલાઓ દ્વારા મોઢા ઉપર નકાબ રાખી મતદાન કરાતા મામલો બીચકયો હતો. જેને લઈ વાતાવરણ તંગ બનતા તાત્કાલિક ચૂંટણી અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પુનઃ શરૂ કરાયું હતું. આ બાબતે વડગામ ભાજપના અગ્રણી અશ્વિન સક્સેના એ જણાવ્યું હતું કે એક સમુદાયના લોકો દ્વારા મતદાન મથકની બારી ખોલવા દેવા માટે વિરોધ કરતા અને બુરખામાં ચેહરો ઢાકી મતદાન કરવાને લઈ પ્રિસાઈડિંગ ઓફિસર અને એજન્ટો વચ્ચે ચકમક થઈ હતી. જેના કારણે હોબાળો મચ્યો હતો. આ ઘટનાને લઈ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ઠાકોર પણ દોડી આવી હસ્તક્ષેપ કરી મામલો થાળે પાડ્‌યો હતો.