બેંકોમાં આવી રહી છે, નફા પ્રમાણે પગાર પદ્ધતિ

બેન્કની નફાકારકતાને આધારે કર્મચારીઓના પગાર નક્કી કરવાની નવી પગાર પધ્ધતિ તૈયાર કરવામાં આવી છે. ઇન્ડિયન બેન્ક એસોસિયેશન અને બેન્કના યુનિયનો નફાના 1 ટકાથી 10 ટકા સુધી પગાર વધારો કે ઘટાડો આપવાની નવી પગાર પદ્ધતિ અમલી બનાવવા તૈયાર થયા છે. અત્યારે બેન્કના નફાને ધ્યાનમાં લીધા વિના જ દરેકને એક સમાન વેતન તથા વેતન વધારો આપવામાં આવે છે.

ફિક્સ્ડ પે અને વેરિયેબલ પેની અલગ ફોર્મ્યુલાને ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનને માન્યતા આપી છે. બેન્કના નફા મુજબ કે બેન્કને તેની અસ્ક્યામતો પર કેટલું વળતર મળે છે અને આવક થાય છે તેના આધારે બદલાતો પગાર નક્કી કરવામાં આવી રહ્યો છે.

વર્ષે બદલાતો પગાર વધારો 0 ટકાથી માંડીને 6 ટકા સુધી હોઈ શકે છે. જેમાં ઊંચા પગાર ખર્ચની બેન્કની ક્ષમતાને  ધ્યાનમાં રાખવામાં આવશે. ફિક્સ્ડ પે અને વેરિયેબલ પેની ફોર્મ્યુલા દાખલ કરવામાં આવશે. ફિક્સ્ડ પેમાં કર્મચારીઓને માસિક વેતનમાં બેઝિક સેલેરી ઉપરાંત જુદાં જુદાં એલાવન્સિસ આપવામાં આવશે. તેમાંથી ભરવાપાત્ર વેરાની બાદબાકી કરી નાખવામાં આવશે.બીજું, તેમને વેરિયેબલ પે આપવામાં આવશે. જે તેમના પગારનો ચોક્કસ હિસ્સો હશે. આ હિસ્સો તેમને દર મહિને આપવામાં આવસે નહિ. આ હિસ્સો તેમને દર ત્રણ મહિને કે પછી દર વર્ષને અંતે આપવામાં આવશે.

જોકે બેન્ક કર્મચારીઓ ફિક્સ્ડ પેમાં 10 ટકાનો વધારો માગી રહ્યા છે. આ અંગે વાટાઘાટો ચાલુ છે. સંસદનું બજેટ સત્ર પૂરું થયા પછી આ મુદ્દે ચર્ચાવિચારણા અને મંત્રણાનો દોર આગળ વધશે. પણ બેન્ક યુનિયનોએ તો નફાને આધારે વેરિયેબલ પે આપવાની ઓફરને નકારી કાઢી છે.

બેન્કોમાં 1948ની સાલથી એક સમાન વેતનની પદ્ધતિ લાગુ કરવામાં આવેલી છે. સેન ટ્રિબ્યુનલે આ એવોર્ડને માન્ય રાખ્યો છે. 1966માં પણ પગારની 1948માં નક્કી કરાયેલી ફોર્મ્યુલાને બંને પક્ષ દ્વારા માન્ય રાખવામાં આવી હતી.