બેન્કની પ્રથમ સાધારણ સભામાં મહિલા સાથે અસભ્ય વર્તન કરાતાં પોલીસ ફરિયાદ

અમદાવાદ, તા. 23

મહેસાણા અર્બન બેન્કની સાધારણ સભામાં મહિલા સાથે અભદ્ર વર્તન કરવા બદલ મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બેન્કના ચેરમેનની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યારે આ પ્રકારની ફરિયાદ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.

અર્બન બેન્કની સાધારણ સભામાં હંગામો

આ અંગે મળતી વિગત અનુસાર મહેસાણા અર્બન બેન્કની લગભગ બે સપ્તાહ પહેલાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી બાદ બેન્કની આજે પહેલી સાધારણ સભા યોજાઈ હતી. આ બેઠકમાં બેન્કના એજન્ટો તેમ જ શેર હોલ્ડર્સ પણ હાજર હતા. બેઠક સમયે ચાલી રહેલી ચર્ચા દરમિયાન કેટલાંક મુદ્દા પર વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલના સભ્યો આમને સામને આવી ગયા હતા અને ભારે શાબ્દિક ટપાટપી થઈ હતી. જે છેવટે હાથપાઈમાં પરિવર્તિત થઈ હતી. આ દરમિયાન વિકાસ પેનલના કેટલાંક લોકો દ્વારા વિશ્વાસ પેનલની મહિલા સાથે અભદ્ર વર્તન કરતાં મહિલાએ મહેસાણા બી ડિવિઝનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

શું છે ફરિયાદમાં?

પાવાલાસણા ગામના મહિલા સરપંચ આશાબહેન ભાઈલાલભાઈ પટેલે મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે આજે સવારે મહેસાણા અર્બન બેન્કની સભામાં ગઈ હતી. જે સમયે બેન્કના સીઓ વિનોદભાઈ એમ પટેલ માઈકમાં એજન્ડાનું વાંચન કરતા હતા. તે સમયે મેં તથા મારી સાથે બેઠકમાં આવેલા પુંજીરામભાઈ પટેલે વિનોદભાઈ પાસે સાચા જવાબ આપવાની માગણી કરી હતી. જે સંદર્ભે તેમણે યોગ્ય જવાબ આપ્યા નહોતા જેથી સભામાં ઉપસ્થિત શેર હોલ્ડરો દ્વારા હોબાળો મચાવતાં તેમને શાંત પાડવા માટે હું સ્ટેજ પર ગઈ હતી અને વિનોદભાઈએ પોતાની પાસેનું માઈક સાઈડ પર લઈને જતા રહ્યા હતા અને આ માઈક બેન્કના ચેરમેન જી. કે. પટેલને આપી દીધું હતું અને વિનોદભાઈ અને તેમની સાથે અન્ય ચાર વ્યક્તિઓ એકદમ મારી તરફ ધસી આવેલા અને મને પકડી લીધી હતી. તેમ જ આ પાંચ પૈકીના એક વ્યક્તિએ મારી સાથે અણછાજતું વર્તન કર્યું હતું. અને આ બચાવમાં મેં તેમને દૂર કરતા આ પાંચે જણાંએ મને ઘેરી લઈને હાથમાં ધોકો લઈને એક વ્યક્તિ મારી તરફ ધસી આવ્યો હતો અને મને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને મારી સાથે આવેલા લોકોએ મને બચાવી હતી.

મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ

આશાબહેને આ અંગે મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વિનોદભાઈ પટેલ સહિત ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.