બેન્કોના ભરણામાં 5.41 લાખની નકલી નોટો જમા થઈ

અમદાવાદ, તા.16
અમદાવાદ શહેરમાં આવેલી આરબીઆઈ સહિતની 17 બેન્કોમાંથી છેલ્લા ત્રણ મહિનામાં રૂ.5,41,150ની જુદાજુદા દરની નકલી નોટો મળી આવી છે. જો કે નકલી નોટો સૌથી વધુ ખાનગી બેન્કોના ભરણામાં જમા થઈ છે.

એસઓજી-ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ વાય.એસ. શિરસાઠે અજાણ્યા શખ્સો સામે નકલી નોટોનો જથ્થો મળવાના મામલે ફરિયાદ નોંધાવી છે. એક્સિસ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોટક મહિન્દ્રા, આઈડીબીઆઈ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, એચએસબીસી, યેસ, આઈડીએફસી, ઈન્ડસઈન્ડ, કોર્પોરેશન, ઈક્યુટસ સ્મોલ, એ.યુ. સ્મોલ, ગુજરાત સ્ટેટ કો.ઓ., કાલુપુર કો.ઓ. અને રિઝર્વ બેન્કમાંથી રૂ.2000ના દરથી લઈને રૂ.10ના દરની કુલ 2052 નકલી નોટ મળી આવી છે. ગત જુલાઈ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના દરમિયાન નકલી નોટો બેન્કોના ભરણાંમાં જમા થઈ હતી. નોંધનીય છે કે, બાળકોના રમવા માટેની તેમજ ફાટી ગયેલી-સાંધેલી નોટો પણ બેન્ક ભરણામાં જમા થઈ ગઈ છે.

ફરિયાદ અનુસાર ખાનગી બેન્કોમાંથી સૌથી વધુ નકલી નોટો મળી આવી છે, જેમાં આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી 912, એક્સિસ બેન્કમાંથી 462, એચડીએફસીમાંથી 317 અને કોટક મહિન્દ્રા બેન્કમાંથી 127 નકલી નોટ મળી આવી છે. બેન્કોના ભરણામાં 2000ની 123, 500ની 235, 200ની 185, 100ની 1314, 50ની 181, 20ની 6 અને 10ના દરની 8 એમ કુલ 5,41,150 રૂપિયાની બનાવટી ચલણી નોટો આવી છે.