બેન્ક અને મેટલ શેરોની આગેવાનીએ શેરોમાં તેજી, મેટલ ઇન્ડેક્સ અઢી ટકા વધ્યો

અમદાવાદ

સપ્તાહના અંતિમ દિવસે શેરોમાં તેજી થઈ હતી. મજબૂત વૈશ્વિક સંકેતોને લીધે સ્થાનિક શેરબજારમાં પણ તેજી થઈ હતી. અમેરિકા અને ચીન વચ્ચે વેપારી મંત્રણા શરૂ થવાને લીધે મેટલ શેરોમાં ભારે તેજી થઈ હતી. મેટલ શેરોની સાથે બેન્ક શેરોમાં પણ તેજી થઈ હતી. મેટલ ઇન્ડેક્સ 2.5 ટકા વધ્યો હતો. ઇન્ફોસિસનાં પરિણામોને પગલે ઇન્ફોસિસના શેરમાં પણ સારીએવી લેવાલી હતી. આમ તેજીમય વાતાવરણને લીધે ઓવરઓલ શેરોમાં તેજી હતી. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી થઈ હતી. દિવસના અંતે સેન્સેક્સ 247 પોઇન્ટ વધીને 38,127.08ના સ્તરે બંધ થયો હતો, જ્યારેનિફ્ટી 50 ઇન્ડેક્સ 781 પોઇન્ટ વધીને 11,300ની સપાટી કુદાવીને 11,305ના મથાળે બંધ રહ્યો હતો.

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં બેન્ક, મેટલ અને આઇટી શેરોમાં તેજી થઈ હતી. આઇટી અગ્રણી ઇન્ફોસિસે પ્રોત્સાહક પરિણામો જાહેર કરતાં આઇટી શેરોમાં તેજી થઈ હતી. ડોલર સામે રૂપિયામાં પણ મજબૂતાઈ હતી. જેથી પણ આઇટી શેરોમાં સુધારો થયો હતો. બેન્ક, ઓટો, ફાઇનાન્સ, એફએમસીજી, ફાર્મા, આઇટી અને મેટલ શેરોમાં તેજી થઈ હતી. પસંદગીના મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સુધારો થયો હતો. એનએસઈ ખાતે 19,092.22 લાખ શેરોનાં વોલ્યુમ થયાં હતાં. કેશ સેગમેન્ટમાં કુલ 37,369.01 કરોડનાં કામકાજ થયાં  હતાં. આ સાથે 10 ઓક્ટોબરે એફઆઇઆઇએ કેશ સેગમેન્ટમાં 263 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ 502 કરોડની લેવાલી કરી હતી.

મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 21 શેરો વધ્યા હતા, જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 34 શેરો વધ્યા હતા અને 16 શેરો  ઘટ્યા હતા. આ સાથે બીએસઈ પર 1589 શેરો ઘટ્યા હતા અને 937 શેરો વધ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 1419 શેરો ઘટ્યા હતા અને 755 શેરો વધ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 6 શેરો વધીને બંધ રહ્યા હતા.

ઓરબિંદો ફાર્મા પાંચ વર્ષના તળિયે

ઓરબિંદો ફાર્મા કંપનીના પ્રમોટરે આ સપ્તાહના પ્રારંભે શેરો ગિરવે  મૂકતાં કંપનીના શેરો ઇન્ટ્રા-ડેમાં છ ટકાથી વધુ તૂટ્યો હતો.  કંપનીના પ્રમોટર કે. નિત્યાનંદ રેડ્ડીએ તેમનો 7.85 ટકા હિસ્સો 58 લાખ શેરો ગિરવી મૂક્યો હતો. જે કુલ ભરપાઈ થયેલી ઇક્વિટીના 0.99 ટકા થાય છે. કંપનીની હાલની લોન સામે શોર્ટફોલ થતાં આ શેરો ગિરવી મૂકવામાં આવ્યા હતા. કંપનીનો શેર સેશનના અંતે 6.16 ટકા ઘટીને 436.50ના સ્તરે બંધ રહ્યો હતો.

ઇન્ફોકિસ પાંચ  ટકા વધ્યો

ઇન્ફોસિસના શેરોમાં ઇન્ટ્રા-ડેમાં 4.7 ટકા વધ્યા હતા. કંપનીએ પ્રોત્સાહક પરિણામો જાહેર કરતાં ઇન્ફોસિસ શેરમાં સારીએવી ખરીદદારી જોવા મળી હતી. કંપનીનાએ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 5.3 ટકાનો વધાયો થયો હતો. જેથી કંપનીના શેરમાં ઉછાળો આવ્યો હતો. સેશનના અંતે કંપનીનો શેર 4.08 ટકા વધીને 815ના મથાળે બંધ રહ્યો હતો.

સાપ્તાહિક રીતે સેન્સેક્સ 1.2 ટકા અને નિફ્ટી 1.17 ટકા વધ્યો

સાપ્તાહિક રીતે જોઈએ તો સેન્સેક્સ 1.2 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 1.2 ટકા વધ્યો હતો. એ જ રીતે જોઈએ તો મેટલ ઇન્ડેક્સ 1.74 ટકા, બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 1.12 ટકા વધ્યા હતા, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1.6 ટકા અને નિફ્ટી મિડકેપ 0.10 ટકા ઘટ્યો  હતો.

સપ્ટેમ્બરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાણાપ્રવાહ ઘટ્યો

સપ્ટેમ્બર મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાણાપ્રવાહ આગલા મહિનાની સરખામણીએ 28 ટકા ઘટીને રૂ. 6,609 કરોડ નોંધાયો હતો. માર્કેટના આઉટલૂક અંગે અનિશ્ચિતતાને કારણે  રોકાણમાં ઘટાડો થયો હતો.

સપ્ટેમ્બર મહિનામાં નાના રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તેમના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અનુસારનાં રોકાણોને જાળવી રાખ્યાં હતાં જ્યારે વિવિધ ડેટ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીઝ-લિક્વિડ અને ક્રેડિટ રિસ્ક ફંડમાં આઉટફ્લો જોવાયો હતો. સ્થાનિક તથા વૈશ્વિક એમ બંને સ્તરે પ્રતિકૂળ અહેવાલો નકારાત્મક છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધ જળવાઈ રહ્યું છે જ્યારે કેટલાંક સેગમેન્ટમાં સ્લોડાઉન છે, જે રોકાણકારોને મૂડીરોકાણ કરતા અટકાવે છે. રોકાણકારોને આર્થિક નરમાઈ બાબતે તથા ફાઇનાન્શિયલ સેક્ટરમાં કટોકટી અંગે ચિંતા છે. જોકે કોર્પોરેટ ટેક્સના દરમાં કાપના કારણે ડાઉનટર્નના મોરચે કેટલીક ચિંતાઓ દૂર થઈ છે. ઓગસ્ટ મહિનામાં ઇક્વિટી ફંડમાં નેટ ઇનફ્લો રૂ. 9,152 કરોડ નોંધાયો હતો અને જુલાઈ મહિનામાં તે રૂ. 8,112 કરોડ નોંધાયો હતો. વળી તહેવારોની સીઝન અગાઉ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીરોકાણથી અળગા રહે છે અથવા રોકાણપ્રવાહ ઘટે છે.

સેબીનો નવો નિયમ વિદેશી પીઈ ફંડ્સના બોજમાં વધારો કરશે

સેબીએ ગયા મહિને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર એફપીઆઇ માટે નવા નિયમ જાહેર કર્યા પછી ઘણા ઓફશોર ફંડ્સે એફડીઆઇ રૂટથી ખરીદેલા લઘુમતી હિસ્સા અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આ ફંડ્સે હવે એફપીઆઇ લાઇસન્સ મેળવવું પડશે. કારણ કે નવા નિયમ હેઠળ કંપનીમાં 10 ટકાથી ઓછું રોકાણ એક જ ઇન્વેસ્ટમેન્ટ ગણાશે. નવા નિયમને કારણે પીઈ ફંડ્સના કમ્પ્લાયન્સ અને નિયમન સંબંધી બોજમાં વધારો થશે. એટલે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા તેમના માટે અવરોધ ઊભો કરશે. એફડીઆઇ માટે અત્યારે કોઈ લાઇસન્સની જરૂર નથી. વધુમાં એફપીઆઇએ નો યોર કસ્ટમર (કેવાયસી) સહિત વધુ પ્રમાણમાં ડિસ્ક્લોઝર આપવા પડે છે. વિદેશી ખાનગી ઇક્વિટી ફર્મ્સ 10 ટકાથી ઓછો હિસ્સો ધરાવતી હોય એવી કંપનીઓનો ડેટા જાહેરમાં ઉપલબ્ધ નથી. ઉદ્યોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સેબીના નવા નિયમથી કુલ એફડીઆઇના મૂડીરોકાણના 10-12 ટકા હિસ્સાને અસર થશે.