અમદાવાદ,૧૦
સ્થાનિક શેરબજારમાં રોકાણકારોએ ભારે નફારૂપી વેચવાલી કરી હતી. બેન્ક શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. જેથી બેન્ક નિફ્ટી 800 પોઇન્ટ તૂટ્યો હતો. બેન્ક શેરોની સાથે મેટલ, ઓટો, રિયલ્ટી અને ફાઇનાન્સ શેરોમાં પણ જોરદાર વેચવાલી થઈ હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 298 પોઇન્ટ તૂટીને 37,880.40ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 79 પોઇન્ટના ઘટાડા સાથે નિફ્ટી 11,250ની નીચે સરક્યો હતો અને અંતે 11સ234.55ના મથાળે બંધ રહ્યો હતો.
વૈશ્વિક પ્રતિકૂળ સંકેતોને લીધે સ્થાનિક શેરબજારમાં વેચવાલી થઈ હતી. સૌથી વધુ બેન્ક શેરોમાં વેચવાલી થઈ હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલને લઈને અનિશ્ચિતતા સર્જાતાં બજારમાં વેચવાલીનું દબાણ થયું હતું. આ ઉપરાંત બજારમાં વીકલી એક્સપાયરીના દિવસે ઘટાડો થયો હતો. ઇન્ડસઇન્ડ બેન્કના ત્રિમાસિક નફામાં 3.4 ટકાનો ઘટાડો થયો હતો. જેથી બેન્કના શેર છ ટકા સુધી તૂટ્યો હતો.
મૂડીઝે પણ જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડતાં શેરોમાં વેચવાલી ફરી વળી હતી. મૂડીઝે રાજકોષીય ખાધ વધવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. સરકારી બેન્ક શેરોમાં ભારે વેચવાલીને પગલે નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.94 ટકા તૂટ્યો હતો. નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 2.82 ટકા, નિફ્ટી મેટલ 1.48 ટકા, નિફ્ટી ઓટો 1.36 ટકા અને નિફ્ટી રિયલ્ટી 2.12 ટકા તૂટ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જના કેશ સેગમેન્ટમાં 1,837.31 લાખ શેરોના વોલ્યુમ થયાં હતા, જેમાં કુલ 32,809 કરોડનાં કામકાજ થયાં હતાં. નવ ઓક્ટોબરે એફઆઇઆઇએ 485.24 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાએ 956.26 કરોડની લેવાલી કરી હતી.
મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 23 શેરો વધ્યા હતા, જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 35 શેરો વધ્યા હતા અને 15 શેરો ઘટ્યા હતા. આ સાથે બીએસઈ પર 1589 શેરો ઘટ્યા હતા અને 937 શેરો વધ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 1419 શેરો ઘટ્યા હતા અને 755 શેરો વધ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 12 શેરો ઘટીને બંધ રહ્યા હતા.
બેન્ક નિફ્ટી 772 પોઇન્ટ તૂટ્યો
બેન્ક નિફ્ટી ગઈ કાલે 1000 પોઇન્ટ ઊછળ્યો હતો. જોકે બેન્ક શેરોમાં ભારે વેચવાલીને પગલે બેન્ક નિફ્ટી 77.2.40 પોઇન્ટ તૂટીને 28,013.45ના મથાળે બંધ રહ્યો હતો. જેમાં ઇન્ડસઇન્ડ બેન્ક 6.04 ટકા, આરબીએલ 6.98 ટકા, યસ બેન્ક 5.43 ટકા, પીએનબી 3.25 ટકા અને આઇસીઆઇસીઆઇ બેન્ક 2.79 ટકા તૂટ્યો હતો.
મૂડીઝે જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને 5.8 ટકા કર્યો
મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસિસે 2019-20માં ભારતીય અર્થતંત્રનો જીડીપી ગ્રોથ 6.20 ટકાથી ઘટાડીને 5.80 ટકા કર્યો હતો. અર્થતંત્રમાં મંદીગ્રસ્ત છે અને એની ઘેરી અસર રહેશે. આરબીઆઇએ પણ ધિરાણ નીતિની સમીક્ષા દરમ્યાન જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીનો 6.10 ટકા કર્યો હતો. મંદીને લીધે મૂડીરોકાણમાં પણ ઘટાડો થયો છે, એમ મૂડીઝે જણાવ્યું હતું. મૂડીઝે કોર્પોરેટ ટેક્સમાં મૂકવામાં આવેલા કાપ અને ઓછા જીડીપી વૃદ્ધિદરને કારણે રાજકોષીય ખાધ પણ 3.70 ટકા પહોંચવાની આશંકા વ્યક્ત કરી હતી.
પાછલાં ત્રણ વર્ષમાં બેન્કિંગ સિસ્ટમમાંથી રૂ. 1.76 લાખ કરોડ સાફ
પાછલાં ત્રણ વર્ષમાં ભારતીય બેન્કિંગ સિસ્ટમમાંથી રૂ. 1.76 લાખ કરોડ સાફ થઈ ગયા છે. આ ત્રણ વર્ષમાં 416 ડિફોલ્ટર્સ થયા હતા. જેમની લોનની વેલ્યુ રૂ. 100 કરોડ અથવા એનાથી વધુ હતી. સરેરાશ જોઈએ તો એક ડિફોલ્ટર્સે રૂ. 424 કરોડની લોન ડિફોલ્ટ કરી છે. આરટીઆઇ દ્વારા માલૂમ પડ્યું હતું કે 2014-15 દરમ્યાન સરકારૂ અને ખાનગી બેન્કોમાં બેડ લોન માંડી વાળવાની પ્રક્રિયામાંમ ઝડપ આવી હતી. 2015થી 2018ની વચ્ચે આશરે 2017 લાખ કરોડની બેડ લોન શિડ્યુલ બેન્કોએ સાફ કરી હતી.
નિફટી કંપનીઓની કમાણી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નબળી રહેવાની શક્યતા
કોર્પોરેટ અર્નિંગ્સની દ્રષ્ટિએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળો છેલ્લાં કેટલાંક વર્ષોનો સૌથી ખરાબ રહેવાની ધારણા છે. ઓટોમોબાઈલ, ઊર્જા, માઈનિંગ તથા મેટલ્સ જેવાં ક્ષેત્રોમાં વેચાણ વોલ્યુમ નીચું રહેતાં કંપનીઓની આવકમાં ઘટાડો થવાની ધારણા છે.
નિફટી 50 કંપનીઓનો સંયુકત ચોખ્ખો નફો બીજા ત્રિમાસિક ગાળામાં ૩.૪૦ ટકા નીચો આવવાની વકી છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં ડિસેમ્બર, ૨૦૧૮ ત્રિમાસિકને બાદ કરતાં સૌથી ખરાબ ત્રિમાસિક સાબિત થશે. તાતા મોટર્સ દ્વારા દર્શાવાયેલા વન ટાઈમ લોસને કારણે ડિસેમ્બર ૨૦૧૮ના ત્રિમાસિકમાં નિફટી૫૦ કંપનીઓની આવકમાં ૨૨.૬૦ ટકા ગાબડું પડયું હતું.
નિફટી૫૦ કંપનીઓના સંયુકત વેચાણમાં વાર્ષિક ધોરણે ૧.૪૦ ટકા સુધીનો ઘટાડો જોવાઈ રહ્યો છે, જે છેલ્લા ૧૩ ત્રિમાસિકમાં પ્રથમ વખત જોવા મળવાની ધારણાં છે. બેન્કો તથા નાણાં અને ઓઈલ અને ગેસ ક્ષેત્રની કંપનીઓને બાદ કરવામાં આવે તો નિફટી૫૦ કંપનીઓના સંયુકત ચોખ્ખા નફામાં ૧૦.૧૦ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.
આ કંપનીઓના સંયુકત વેચાણમાં ૨.૪૦ ટકાનો ઘટાડો જોવાઈ રહ્યો છે જે છેલ્લા ૧૩ ત્રિમાસિકમાં પ્રથમ ઘટાડો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગયા મહિને જાહેર કરાયેલા વિવિધ પ્રોત્સાહક પગલાંઓ અને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કરાયેલા સતત ઘટાડાનો તાત્કાલિક લાભ થતો જોવા મળશે નહીં. સરકાર દ્વારા લેવાયેલા પગલાં માળખાકીય પ્રકારના હોવાથી તેની અસર લાંબે ગાળે જોવા મળવાની સંભાવના છે, આમ છતા ઉપભોગતાઓની માગમાં હજુ કોઈ સુધારો થયો નહીં હોવાનો એક વિશ્લેષકે મત વ્યકત કર્યો હતો.
છેલ્લા છથી આઠ મહિનામાં અર્થતંત્રમાં મંદી ઘેરી બની છે. મંદ ઉપભોગ માગ અને કોમોડિટીઝ મારફત નીચી આવકે નિફટી૫૦ કંપનીઓના કમાણીમાં ઘટાડો કર્યો છે.