અમદાવાદ,તા:૩૦
સપ્તાહના પ્રારંભે શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. બેન્કોમાં ભારે વેચવાલી થઈ હતી, જેણે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. જેથી બેન્ક નિફ્ટી એક તબક્કે 800 પોઇન્ટ તૂટી ગયો હતો. આ સાથે એનબીએફસી શેરોમાં પણ વેચવાલી રહી હતી. આ સાથે ઓટો, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ભારે ઘટાડો થયો હતો. જ્યારે આઇટી શેરોમાં મજબૂતાઈ હતી . ઓઇલ અને તેલ- ગેસ શેરોમાં ખપપૂરતી વેચવાલી રહી હતી. જેથી સેન્સેક્સ 155 પોઇન્ટ તૂટીને 38667.33ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 37.90 પોઇન્ટ ઘટીને 11474.50ના મથાળે બંધ રહ્યો હતો.
ટ્રમ્પ સરકાર બીજિંગ પર નવું નાણાકીય દબાણ ઊભું કરવા માગે છે. જેને કારણે વૈશ્વિક બજારમાં નરમ વાતાવરણ હતું. જેથીસપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ઓપરેટરોએ પ્રતિકૂળ વૈશ્વિક સંકેતોને કારણે શેરોમાં ભારે વેચવાલી કરી હતી. જેથી સેન્સેક્સ એક તબક્કે 470 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 100 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. જોકે નિફ્ટી50 ઇન્ડેક્સ સપ્ટેમ્બર મહિનામાં 4.12 ટકા વધ્યો, જ્યારે સેન્સેક્સ 3.57 ટકા વધ્યો હતો.
બજારના ટ્રેડિંગ સેશન દરમ્યાન અગ્રણી બેન્ક શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી. જેથી બેન્ક નિફ્ટી 772.80 પોઇન્ટ તૂટીને 29,103.85ના મથાળે બંધ રહ્યો હતો. અગ્રણી બેન્ક શેરો સાથે સરકારી બેન્કો, ખાનગી બેન્કોના શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. યસ બેન્ક પણ 14 ટકાથી વધુ તૂટ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમ્યાન નિફ્ટી પીએસયુ બેન્ક 3.47 ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 2.74 ટકા તૂટ્યો હતો. આ સાથે નિફ્ટી રિયલ્ટી 1.24 ટકા, નિફ્ટી ફાર્મા 1.90 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી મિડિયા 2.12 ટકા, નિફ્ટી ઓટો 1.03 ટકા અને નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ 2.05 ટકા તૂટ્યા હતા. જ્યારે નિફ્ટી મિડકેપ 1.51 ટકા અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 1.67 ટકા તૂટ્યો હતો. જોકે નિફ્ટી આઇટી 1.91 ટકા અનેનિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.32 ટકા બંધ આવ્યા હતા.
મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 18 શેરોમાં મંદી થઈ હતી અને એનએસઈના નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 50માંથી 27 શેરોમાં મંદી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 819 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1773 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 590 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1622 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 12 શેરો વધીને સાથે બંધ થયા હતા.
યસ બેન્ક 10 વર્ષના નીચલા સ્તરે, રોકાણકારોના રોજના 210 કરોડ ડૂબ્યા
સપ્તાહના પ્રારંભે ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક યસ બેન્કમાં ભારે વેચવાલી થઈ હતી. જેથી ટ્રેડિંગ સેશનિ દરમ્યાન યસ બેન્કનો શેર 14 ટકાથી વધુ તૂટ્યો હતો. જેથી આ શેર પાછલા 10 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. રિઝર્વ બેન્કે યસ બેન્કને ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી હોવા છતાં શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. યસ બેન્કનો શેર તેના ઓલ ટાઇમ હાઇથી 90 ટકા તૂટી ચૂક્યો છે. શેરનો 43ના સ્તરે પહોંચ્યો હતો. 20 ઓગસ્ટ, 2018એ બેન્કનું માર્કેટ કેપ 95,000 કરોડ રૂપિયા હતું, જે 30 સપ્ટેમ્બર, 2019એ ઘટીને 10,724 કરોડ રૂપિયા થયું હતું. એટલે કે 13 મહિનામાં રોકાણકારોના 84,276 કરોડ ઓછા થયા છે. આમ બેન્કના દૈનિક ધોરણે રૂ. 210 કરોડ ડૂબ્યા છે.
વિદેશી રોકાણકારોએ બજારમાં રૂ. 7,714 કરોડ ઠાલવ્યા
વિદેશી રોકાણકારો બે મહિના સુધી ચોખ્ખા વેચવાલ રહ્યા બાદ સપ્ટેમ્બરમાં ભારતીય કેપિટલ બજારમાં રૂ. 7,714 કરોડ ઠાલવ્યા છે. સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા સહિત વેપારી5 જગત માટે અનેક રાહતો જાહેર કરતાં સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે, જેને કારણે વિદેશી રોકાણનો મૂડીપ્રવાહ વધ્યો છે.ડિપોઝિટરીના તાજેતરના આંકડા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ 3થી 27 સપ્ટેમ્બર દરમિયાન ઇક્વિટી માર્કેટમાં રૂ. 7,849.89 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે ડેટ માર્કેટમાં સાધારણ રૂ. 135.59 કરોડની નેટ વેચવાલી કરી હતી. આમ તેમણે ડેટ અને ઇક્વિટી મળીને રૂ. 7,714.30 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. અગાઉ તેમણે ઓગસ્ટમાં રૂ. 5,920.02 કરોડની અને જુલાઈમાં રૂ. 2,985.88 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. નાણાપ્રધાને કોર્પોરેટ ટેક્સમાં કંપનીઓને લગભગ 10 ટકા જેવી રાહત કરી આપી છે જેને કારણે આવનારા સમયમાં આ કંપનીઓનો નફો વધે તેવી શક્યતા છે. આ ઉપરાંત કેપિટલ ગેઇન્સ ટેક્સ પર વધારાનો સરચાર્જ દૂર કરી દેવામાં આવ્યો છે, જે ઇક્વિટી અને ડેટમાં વિદેશી રોકાણ સામે સૌથી મોટી અડચણ માનવામાં આવતી હતી.
ટોચની છ કંપનીઓના માર્કેટકેપમાં રૂ. 1.26 લાખ કરોડનો ઉછાળો
વીતેલા સપ્તાહે માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી છ કંપનીઓના સંયુક્ત માર્કેટકેપમાં રિલાયન્સ અનેએચડીએફસી બેન્કની આગેવાનીમાં રૂ. 1.26 લાખ કરોડનો ઉછાળો નોંધાયો હતો.
શુક્રવારે પૂરા થયેલા સપ્તાહે રિલાયન્સ અને એચડીએફસી ઉપરાંત એચયુએલ, કોટક મહિન્દ્રા બેન્ક, આઇટીસી અને આઇસીઆઇસીઆઇ બેન્કના માર્કેટકેપમાં ઉછાળો નોંધાયો હતો જ્યારે એસબીઆઇ, ઇન્ફોસિસ, એચડીએફફસી અને ટીસીએસના માર્કેટકેપમાં ધોવાણ જોવા મળ્યું હતું.
સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સનું માર્કેટકેપ રૂ. 34,453.13 કરોડના ઉછાળા સાથે રૂ. 8,29,632.75 કરોડ નોંધાયું હતું. આ સાથે માર્કેટકેપમાં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સે તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. ત્યારબાદ અનુક્રમે ટીસીએસ, એચડીએફસી બેન્ક, એચયુએલ, એચડીએફસી, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેન્ક, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એસબીઆઇનું સ્થાન આવે છે.