બે દિવસની તોફાની તેજી બાદ શેરોમાં પ્રોફિટ બુકિંગઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં સામસામા રાહ, નિફ્ટી 11,600ની નીચે

અમદાવાદ,તા:૨૪

સપ્તાહના બીજા દિવસે બજાર ટૂંકી વધઘટે અથડાઈ ગયું હતું. સ્ટોક સ્પેસિફિક જ વધુ થયાં હતાં. બે દિવસની જોરદાર તેજી પછી શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી રહી હતી. જોકે સેન્સેક્સ અને નિફ્ટીમાં સામસામા રહ્યા હતા. જોકે બજાર મોટે ભાગે બેતરફી ટૂંકી વધઘટ બાદ સપાટ બંધ રહ્યું હતું. સેન્સેક્સ 7.11 પોઇન્ટ વધી 39,097.14ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 12 પોઇન્ટ ઘટીને 11,588.20ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પર જેએસડબ્લ્યુ સ્ટીલ, આઇશર મોટર્સ, એસબીઆઇ, એલ એન્ડ ટી અને એક્સિસ બેન્ક ટોપ લુઝર્સ રહ્યા હતા, જયારે ઇન્ફોસિસ, રિલાયન્સ ઇન્ડ, ટેક મહિન્દ્રા, ઝી એન્ટરટેઇનમેન્ટ અને તાતા મોટર્સ ટોપ ગેઇનર્સ હતા.

બજારમાં સપ્ટેમ્બર એ એન્ડ ઓ કોન્ટ્રેક્ટ સિરીઝ હવે પૂરા થવામાં છે, ત્યારે ઓપરેટરોએ સાવચેતી દાખવતાં સ્ટોક સ્પેસિફિક કામકાજ વધુ રહ્યાં હતાં. ઇન્ટ્રા-ડે દરમ્યાન બેન્ક, ઇન્ફ્રા, મેટલ અને ઓટો ક્ષેત્રે નફારૂપી વેચવાલી જોવા મળી હતી, જ્યારે આઇટી, ફાર્મા, એફએમસીજી અને એનર્જી શેરોમાં તેજી થઈ હતી. આઇટી શેરોમાં ત્રણ દિવસના ઘટાડા બાદ શેરોમાં તેજી થઈ હતી. જોકે મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ રહ્યું હતું.

મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 16 શેરોમાં તેજી થઈ હતી,  જ્યારે 14 શેરો નરમ બંધ રહ્યા હતા એનએસઈના નિફ્ટી50 ઇન્ડેક્સમાં 50માંથી 28 શેરોનાં તેજી થઈ હતી, જ્યારે 22 શેરોમાં નરમાઆઈ પ્રવર્તતી હતી. મુંબઈ શેરબજારમાં 1241 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1448 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક  એક્સચેન્જ પર 930 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1228 શેરો ઘટીને બંધ રહ્યા હતા. બેન્ક નિફ્ટીમાંના 12 શેરોમાંથી નવ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

એફપીઆઇએ સપ્ટેમ્બરમાં કેપિટલ બજારમાંથી રૂ. 4,193 કરોડ પાછા ખેંચ્યા

વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરમાં અત્યાર સુધી ભારતના કેપિટલ  બજારમાંથી આશરે રૂ. 4,193 કરોડ પાછા ખેંચી લીધા છે. જોકે  સરકારે અર્થતંત્રને વેગ આપવા પગલાં જાહેર કર્યાં હોવાથી આ વલણ બદલવાની શક્યતા છે.
ડિપોઝિટરીઝના તાજેતરના ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અથવા એફપીઆઇએ ઇક્વિટી માર્કેટ્સમાંથી રૂ. 5,577.99 કરોડ પાછા ખેંચી લીધા છે, જ્યારે ડેટ માર્કેટમાં આશરે રૂ. 1,384.81 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. તેનાથી 3થી 20 સપ્ટેમ્બર દરમિયાન એફપીઆઇએ કુલ ચોખ્ખો રૂ. 4,193.18 કરોડ પાછા ખેંચ્યા હતા.
આ અગાઉમાં ઓગસ્ટમાં વિદેશી ફંડ્સે રૂ. 5,920.02 કરોડ અને જુલાઈમાંથી રૂ. 2,985.88 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જોકે બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બજેટ બાદ વિદેશી ફંડ્સની ચાલુ થયેલી વેચવાલી હવે અટકવાની ધારણા છે. નાણાપ્રધાને કોર્પોરેટ ટેક્સમાં ધરખમ ઘટાડો કર્યા બાદ એફપીઆઇ ખરીદી ચાલુ કરે તેવી ધારણા છે. સરકારના આ સુધારાથી રોકાણ, આર્થિક વૃદ્ધિ અને કોર્પોરેટ પ્રોફિટને વેગ મળવાની ધારણા છે.

ઇનસાઇડર ટ્રેડિંગમાં ઓરોબિંદો ફાર્મા, પ્રમોટર્સને 22 કરોડનો દંડ

શેરબજાર નિયામક સેબીએ ઇનસાઇડર ટ્રેડિંગને મામલે ઓરોબિંદો ફાર્માંને દોષી માનતાં કાર્યવાહી કરી હતી અને દંડ કર્યો હતો. સેબીએ ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોના ઉલ્લંઘનને મામલે ઓરોબિંદો ફાર્મા અને તેના પ્રમોટર્સને કુલ 22 કરોડનો દંડ ફટકાર્યો હતો. નિયામકે જુલાઈ, 2008થી માર્ચ, 2009 દરમ્યાન કંપનીના શેરોના કામકાજની તપાસ કરી હતી. જેમાં પ્રમોટર કંપનીએ ગેરકાયદે રીતે નફો કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

રેપો રેટમાં 40 બેસિસ પોઇન્ટના કાપની સંભાવના

વિદેશી રોકાણકારો (એફપીઆઇ)માં હતાશા તરફી મૂડ જોવાઈ રહ્યો છે તે ફક્ત ભારત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તમામ ઊભરતાં  બજારોમાં આવી જ સ્થિતિ છે. બજેટ બાદ અત્યાર સુધીમાં એફપીઆઇએ ભારતમાં 4.8 અબજ ડોલરની ઇક્વિટીનું વેચાણ કર્યું હતું પરંતુ આવું તેમણે લગભગ તમામ ઊભરતાં બજારોમાં કર્યું હતું.
વિદેશી રોકાણકારો વિશ્વભરમાં કેન્દ્રીય બેન્કોની નાણાકીય નીતિ વધારે અનુકૂળ થશે, એવું માને છે. આ ઉપરાંત તેઓ અમેરિકામાં  2020ના મધ્ય ભાગ સુધીમાં ચાર વધુ રેટ કટની અપેક્ષા રાખી રહ્યા છે. આ ઉપરાંત યુરોપમાં ઇસીબી દ્વારા વધારે બે રેટ કટની અપેક્ષા રાખી રહ્યા છે. તેમની ધારણા મુજબ આરબીઆઇ દ્વારા વર્ષના અંત સુધીમાં વધુ 40 બેસિસ પોઇન્ટનો ઘટાડો આવશે. તેમનું માનવું છે કે રૂપિયો ડોલર સામે અહીંથી થોડો સુધરે તેવી સંભાવના છે તથા વર્ષના અંતમાં 69-70ની રેન્જમાં હશે.

ટોચની 500 કંપનીઓને ટેક્સમાં રૂ. 72,000 કરોડની રાહત

સરકારે કોર્પોરેટ ટેક્સનો દર 30 ટકાથી ઘટીને 22 ટકા કર્યો છે. જેનાથી બીએસઈ 500 ઇન્ડેક્સની 300 કંપનીઓનૈ રૂ. 72,000 કરોડની બચત થશે. આ કંપનીઓની કમાણીમાં વધારો થશે અને રોકડપ્રવાહમાં વધારો થશે. કોર્પોરેટ ટેક્સમાં રાહતથી કેટલીય કંપનીઓની માગમાં વધારો થવાની સંભાવના છે. જોકે આ કંપનીઓ કેટલોક લાભ ગ્રાહકોને પાસ કરશે તો તેમને લાંબા ગાળે વધુ લાભ થશે.

બેન્ક, ફાઇનાન્સ કંપનીઓ, ઓઇલ એન્ડ ગેસ, મેટલ, ખનન, કન્ઝમ્પ્શન અને કેપિટલ ગુડ્ઝ કંપનીઓને વધુ લાભ થશે. જોકે આઇટી, ફાર્મા  અને ઇલેક્ટ્રિક કંપનીઓનો લાભ સીમિત રહેશે.